કાબુલ
પૂર્વીય અફઘાનિસ્તાનમાં શનિવારે તાલિબાનના એક વાહનને નિશાન બનાવી રોડની બાજુમાં કરાયેલા એક વિસ્ફોટમાં બે અફઘાન નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને ચારને ઈજા પહોંચી હતી. જિલ્લા પોલીસ વડા ઈસ્મતુલ્લાહ મુબરિઝે જણાવ્યું કે, તાલિબાનના એક વાહનને નિશાન બનાવીને બે બોમ્બ વિસ્ફોટ કરાયા હતા, જેમાં એક બાળક સહિત બે અફઘાન નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. જાેકે, આ હુમલામાં તાલિબાનના કોઈપણ ફાઈટરને ઈજા થઈ નથી. આ હુમલાની હાલ કોઈએ જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પૂર્વીય નાન્ગરહાર પ્રાંતમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ તાલિબાનો પર હુમલા કરી રહ્યા છે. તાજેતરમાં આઈએસે અફઘાનિસ્તાનમાં ઉત્તર, દક્ષિણ અને રાજધાની કાબુલમાં હુમલાઓ સાથે ફેલાવો કર્યો હોવાના સંકેત આપ્યા હતા. ગયા સપ્તાહે આઈએસે દક્ષિણ અફઘાનિસ્તાનમાં એક શિયા મસ્જિદમાં કરેલા બોમ્બ વિસ્ફોટમાં ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં.