વારાણસી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મંદિરનો વિસ્તાર જે પહેલા અહીં માત્ર ત્રણ હજાર સ્ક્વેર ફૂટમાં હતો તે હવે લગભગ ૫ લાખ સ્ક્વેર ફીટ થઈ ગયો છે. હવે ૫૦ થી ૭૫ હજાર ભક્તો મંદિર અને મંદિર પરિસરમાં આવી શકશે. એટલે કે પહેલા માતા ગંગાના દર્શન-સ્નાન કરો અને ત્યાંથી તમે સીધા વિશ્વનાથ ધામ આવી શકશો. કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ પાંચ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને ગંગા નદીને કાશી વિશ્વનાથ મંદિર સાથે જાેડે છે. આ ઉપરાંત ભક્તો માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને દેશભરના સંતો પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ ધામના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને ભગવાન કહીને તેમની પાસે ત્રણ વસ્તુઓની માગ કરી હતી. તેમણે કહ્યું કે ગુલામીના લાંબા ગાળાએ આપણે ભારતીયોના આત્મવિશ્વાસને એવી રીતે તોડી નાખ્યો કે આપણે આપણા પોતાના સર્જનમાંથી વિશ્વાસ ગુમાવી દીધો. વડાપ્રધાને કહ્યું કે મારા માટે જનાર્દન ભગવાનનું જ સ્વરૂપ છે, દરેક ભારતીય ભગવાનનો અંશ છે અને તેથી જ હું કંઈક માગવાની ઇચ્છા રાખુ છું. હું તમારી પાસેથી ત્રણ સંકલ્પો ઈચ્છું છું, તમારા માટે નહીં, પરંતુ આપણા દેશ માટે, જે છે સ્વચ્છતા, નિર્માણ અને આર્ત્મનિભર ભારત માટે સતત પ્રયાસો. પીએમ મોદીએ કહ્યું કે, હજારો વર્ષ જૂના આ કાશીથી હુ દરેક દેશવાસીને આજે આ આહ્વાન કરું છું કે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સર્જન કરો, શોધ કરો, કઇક નવીન કરો. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આ આઝાદીનું અમૃત છે. આપણે આઝાદીના ૭૫માં વર્ષમાં છીએ. ભારત જ્યારે આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારત કેવું હશે તે માટે આપણે હવેથી કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે કાશી ચાર જૈન તીર્થંકરોની ભૂમિ છે, જે અહિંસા અને મક્કમતાનું પ્રતીક છે. રાજા હરિશ્ચંદ્રની પ્રામાણિકતાથી લઈને વલ્લભાચાર્ય, રામાનંદ જી, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થગુરુ રામદાસથી લઈને સ્વામી વિવેકાનંદ, મદન મોહન માલવિયા સુધી, કેટલાય ઋષિઓ અને આચાર્યો કાશીની પવિત્ર ભૂમિ સાથે સંબંધિત રહ્યા છે.
