અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાને દાયકાઓથી સંઘર્ષ અને વિસ્થાપન તેમજ ગરીબી, ગંભીર દુષ્કાળ અને હવે કોરોના મહામારીનો સામનો કરવો પડ્યો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, યુદ્ધના કારણે ૩૫ લાખ લોકો વિસ્થાપિત થયા છે. તે જ સમયે અફઘાનિસ્તાનની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દેવા હેઠળ દબાયેલા લોકોને તેમના બાળકો વેચવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. હેરત શહેરમાંથી એવી માહિતી બહાર આવી કે દેવાની ચપેટમાં આવેલા લોકોને લોન માફી માટે બાળકોને વેચવાની ઓફર કરવામાં આવી રહી છે. ધિરાણકર્તાઓ કહી રહ્યા છે કે જાે લોકો તેમના બાળકોને વેચે છે તો તેમની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તે જ સમયે, દેશનું ચલણ સતત ઘટી રહ્યું છે. સામાન્ય ખાદ્ય ચીજાેના પુરવઠાનો અભાવ છે. જેના કારણે ભાવ આસમાને પહોંચી ગયા છે.અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી અફઘાન નાગરિકોની સ્થિતિ પહેલેથી જ વધુ ખરાબ થઇ ચુકી છે. યુદ્ધગ્રસ્ત દેશ માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે. તાલિબાન કબજે કર્યા પછી વિદેશી સહાય પર રોક લગાવી દેવામાં આવી છે હવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. આ જ કારણ છે કે હવે તાલિબાન આગળ આવી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મદદ માંગી રહ્યું છે. તાલિબાનના ‘ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર’ અબ્દુલ સલામ હનફી અફઘાનિસ્તાન માટે યુએનના રાજદૂતને મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના દૂત સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના ડેપ્યુટી પીએમ હનફીએ દેશની સ્થિતિ અને માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હનફીએ ડેબોરાહ લિયોન્સને મળ્યા અને દેશની સ્થિતિ અને બેન્કિંગ સિસ્ટમની ચર્ચા કરી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને જણાવ્યું હતું કે, “ડેપ્યુટી પીએમ અબ્દુલ સલામ હનાફીએ શનિવારે અફઘાનિસ્તાનમાં યુએનના રાજદૂત ડેબોરાહ લિયોન સાથે મુલાકાત કરી અને બંને પક્ષોએ અફઘાનિસ્તાનની સ્થિતિ માનવતાવાદી સહાય અને દેશની બેંકિંગ સિસ્ટમ પર ચર્ચા કરી છે.” ઓગસ્ટમાં તાલિબાનોએ કાબુલ પર કબજાે કર્યો ત્યારથી અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વધુ ઊંડું બન્યું છે. યુએન એજન્સીઓએ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વધુ વણસી રહ્યું છે. આવી સ્થિતિમાં, બે કરોડ લોકોને મદદ કરવા માટે તાત્કાલિક સહાય માટે નાણાંની તાત્કાલિક જરૂર છે.
