મ્યાનમાર
મ્યાનમારની સરમુખત્યાર સેના પર પોતાના જ દેશના નાગરિકોના નરસંહારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમના કાફલા પરના હુમલાનો બદલો લેવા માટે, સૈનિકોએ દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના સાગાઈંગ વિસ્તારના ડોન તવ ગામમાં હુમલો કર્યો. કેટલાક ગ્રામજનોને પકડીને સેનાએ તેમના હાથ-પગ બાંધી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા હતા. આ તોડફોડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવું કહેવાય છે કે ગામલોકોની હત્યા અને આગ લગાડ્યા પછી તરત જ તે તસવીરો લેવામાં આવી હતી. જાે કે હજુ સુધી આ તસવીરો અને વીડિયો અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. મંગળવારે થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ૧૧ ગ્રામવાસીઓના સળગેલા મૃતદેહો જાેવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમાંથી કેટલાક કિશોરો પણ હતા. આ ઘટનાના વિરોધમાં મ્યાનમારના લોકોએ શુક્રવારે અનોખો વિરોધ કર્યો હતો. તેમણે સડકો પર ઉતર્યા વિના સેનાને કહ્યું કે તેમની સરમુખત્યારશાહી ચાલશે નહીં.મ્યાનમારના લોકોએ સૈન્ય શાસન સામે વિરોધ કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો. શુક્રવારે લોકોએ પોતાને ઘરોમાં કેદ કરીને સેનાને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેની તાનાશાહી સહન કરવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ નિમિત્તે આયોજિત આ વિરોધને ‘સાયલન્ટ સ્ટ્રાઈક’ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં આખો દેશ એક સાથે જાેવા મળ્યો હતો. લોકો સવારે ૧૦થી સાંજના ૪ વાગ્યા સુધી પોતપોતાના ઘરમાં જ રહ્યા હતા. દુકાનો બંધ રહી અને શેરીઓમાં મૌન હતું. લોકોનું આ પ્રદર્શન મંગળવારે દેશના સાગાઈંગ વિસ્તારમાં સૈનિકો દ્વારા કરવામાં આવેલી કથિત હિંસક કાર્યવાહીના વિરોધમાં હતું. જેમાં ૧૧ નાગરિકો માર્યા ગયા હતા. ગ્રામજનોને આ નાગરિકોના બળેલા મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના સાથે જાેડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સાથે જ સેનાએ સ્પષ્ટતા કરી છે કે તેણે નાગરિકોને માર્યા નથી. સેનાએ આ ઘટનાને નકલી ગણાવી અને કહ્યું કે ઈન્ટરનેટ અને મીડિયા પર બતાવવામાં આવેલી માહિતી ખોટી છે અને સેનાને બદનામ કરવાનું ષડયંત્ર છે.
