અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનની ૮૦ ટકા વીજળીની જરૃરિયાત ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનની વીજ કંપનીઓ પૂરી પાડે છે. આ કંપનીઓને ઓગસ્ટ માસથી ફંડ આપવામાં આવ્યું નથી. પાવરકટ પછી સરકારી વીજ કંપનીના પ્રમુખ સફીઉલ્લાએ કહ્યું હતું કે યોજનાબદ્ધ રીતે બધી જ રકમ આપી દેવામાં આવશે અને ટૂંક સમયમાં વીજળીની અછત દૂર કરવાની દિશામાં યોગ્ય પગલાં ભરાશે. અચાનક અફઘાનિસ્તાનના ૭૦-૮૦ ટકા વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ જતાં ભારે દહેશતનો માહોલ ફેલાયો હતો. લોકોમાં તરેહતરેહની અફવાઓ ફેલાઈ હતી. બિલ ન ચૂકવવાના કારણે જ પાવર કટ થયો છે કે પછી બીજું કંઈ કારણ છે એની ચર્ચા થતી રહી હતી. અમેરિકા હુમલો કરશે એવી દહેશત વ્યક્ત થઈ હતી.અફઘાનિસ્તાનમાં ખાદ્યાન્નની અછતના અહેવાલો વચ્ચે હવે વીજળી ગૂલ થઈ જતાં લાખો-કરોડો લોકો પરેશાન થઈ ગયા છે. તાલિબાનની સરકાર વીજ કંપનીઓના બિલ ચૂકવતી ન હોવાથી પાડોશી દેશોની વીજ કંપનીઓએ પૂરવઠો અટકાવી દીધો હતો. તેના કારણે કાબુલ સહિત અસંખ્ય પ્રાંતોમાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ છે. અફઘાનિસ્તાનની સરકારી વીજ કંપની ડીએબીએસના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કેઉઝબેકિસ્તાનની પાવર કંપનીની સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે કાબુલ સહિતના કેટલાય શહેરોમાં વીજ પૂરવઠો બંધ થઈ ગયો છે. વીજ કંપનીએ પણ કહ્યું હતું કે તેમનો સ્ટાફ ખૂબ જ ઝડપથી ટેકનિકલ ખામી દૂર કરશે એટલે વીજ પૂરવઠો યંત્રવત થઈ જશે. જાેકે, આ વીજ પૂરવઠો ટેકનિકલ ખામીના કારણે નહીં, પરંતુ વીજ કંપનીઓના બિલ ચૂકવાયા ન હોવાથી અટકાવી દેવાયો હોવાનો દાવો અહેવાલોમાં થયો હતો. અફઘાનિસ્તાનની સરકારી વીજ કંપનીના પૂર્વ પ્રમુખ દાઉદ નૂરજઈએ કહ્યું હતું કે પાડોશી દેશોની વીજ કંપનીઓને ૬.૨ કરોડ ડોલર એટલે કે અંદાજે પાંચ અબજ રૃપિયાની રકમ ચૂકવવાની બાકી છે. એ રકમ ભરપાઈ ન થતાં કંપનીઓએ વીજ પૂરવઠો રોકી દીધો છે. સરકારી વીજ કંપનીએ અધિકારીઓની સંપત્તિ વેચીને પૈસા ઉભા કરવાની વિચારણા પણ થોડા વખત પહેલાં કરી હતી.
