નવી દિલ્હી
ભારતીય ટીમે સાત વર્ષ પહેલાં જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ડ્રો કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લે ૨૦૦૬માં ટેસ્ટ રમાઈ હતી. બંને ટીમની વર્તમાન ખેલાડીઓમાં માત્ર મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી તે ટેસ્ટમાં રમી હતી. હરમનપ્રીતની ફિટનેસ અંગે શંકાઓ હોવાના કારણે તે આ ટેસ્ટમાં રમી શકે તેવી ઘણી ઓછી સંભાવના છે. તેના સ્થાને યાસ્તિકા ભાટિયાને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક આપવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાની રેચલ હેન્સ ઈજાના કારણે આ ટેસ્ટમાંથી બહાર થઈ ગઈ હોવાના કારણે યજમાન ટીમને મોટો ફટકો પડયો છે.ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં મળેલા રોમાંચક વિજય બાદ આત્મવિશ્વાસથી ભરપૂર બનેલી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ગુરુવારથી યજમાન ટીમ સામે રમાનારી એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટમાં પોતાના ફોર્મને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. સોમવારે આરામનો દિવસ હોવાના કારણે મિતાલી રાજની ટીમને ટેસ્ટની તૈયારી કરવા માટે માત્ર બે પ્રેક્ટિસ સેશન મળ્યા હતા. ભારતીય ટીમ પ્રથમ વખત પિંક બોલ ટેસ્ટ મેચ રમશે જેના કારણે ખેલાડીઓને ચમકદાર પિંક બોલ કેટલો સ્વિંગ થશે તથા કેટલો બાઉન્સ થશે તેનો ખ્યાલ નથી. ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમે છેલ્લે ૨૦૧૭માં એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ રમી હતી તેથી તેના ખેલાડીઓને પણ પિંક બોલથી રમવાનો વધારે અનુભવ નથી.