મુંબઈ ,
દુબઇની ધીમી પિચ ઉપર પંજાબના બેટ્સમેનોને કોલકાતાના સ્પિનર સુનીલ નરૈન અને વરુણ ચક્રવર્તીને રમવા આસાન રહેશે નહીં. આ બંને સ્પિનર તેમની આઠ ઓવર દ્વારા મેચનું પરિણામ નક્કી કરી શકે છે. પંજાબ માટે મોહમ્મદ શમીએ ૧૪ તથા અર્શદીપ સિંહે ૧૩ વિકેટ ઝડપી છે પરંતુ બંને ખર્ચાળ પૂરવાર થયા છે. કોલકાતા માટે વેંકટેશ ૧૪૪ પ્લસના સ્ટ્રાઇક રેટથી ૧૨૬ રન બનાવી ચૂક્યો છે અને તે શમી અને અર્શદીપના પ્રારંભિક સ્પેલને રમી નાખશે તો તે સ્પિનર્સને કેવી રીતે રમશે તે પણ રસપ્રદ બની જશે.કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શુક્રવારે રમાનારાઔઆઇપીએલ ટી૨૦ લીગના મુકાબલામાં વેંકટેશ ઐયરની બેટિંગ તથા રવિ બિશ્નોઇની સ્પિન બોલિંગ ઉપર તમામની નજર રહેશે. લોકેશ રાહુલના નેતૃત્વ હેઠળની પંજાબની ટીમ માટે આ કરો યા મરોનો મુકાબલો બની રહેશે. પ્લે ઓફની હોડમાં પોતાની દાવેદારી જીવંત રાખવા માટે પંજાબે કોઇ પણ ભોગે મુકાબલો જીતવો પડશે. મધ્યમ હરોળના ખરાબ ફોર્મની પંજાબના પ્રદર્શન ઉપર અસર પડી છે. સુકાની રાહુલ (૪૨૨ રન) તથા મયંક અગ્રવાલ (૩૩૨)ને બાદ કરતાં કોઇ બેટ્સમેન પ્રભાવશાળી દેખાવ કરી શક્યો નથી. ક્રિસ ગેઇલે પણ ૧૦ મેચમાં ૧૯૩ રન બનાવ્યા છે.