જૂનાગઢ : નાનડીયા-સીતાણા-ભીતાણા અને વડાળા એમ ચાર ગામના ૧૨ હજારથી વધુ લોકોને ઉપયોગી નાનડીયા-સીતાણા રોડ રૂા.૨૩૭ લાખના ખર્ચે નવો બનશે. ૫.૫ કિ.મી.ના રસ્તામાં ૭ નાલા અને ૨ પુલ પણ નવા બનશે. સંરક્ષણ દિવાલ સાથે નવીનીકરણ થનાર આ હયાત રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવો બનશે. માણાવદર તાલુકાના નાનડીયા ગામે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં આ રોડનું નાનડીયાના સરપંચ રમેશભાઇ આંદ્રોજા, ભીતાણાના સરપંચ ડાયાભાઇ કોડીયાતર, સીતાણાના સરપંચ પરબતભાઇ બોરખતરીયા અને વડાળાના સરપંચ ગોવીંદભાઇએ ખાતમુહૂર્ત કર્યું હતું
માણાવદરના દરેક ગામની સમસ્યા અને તેના નિવારણની પ્રતિબધ્ધતા વ્યકત કરી આ તકે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, આ વિસ્તારના દરેક ગામ અને લોકોથી હું વાકેફ છું. આ વિસ્તારની રોડ-પાણી-વિજળી-આરોગ્ય સહિતની તમામ બાબતોનો તબક્કાવાર ઉકેલ કરવામાં આવી રહ્યો છે. સરકારમાં દરેક બાબતોની પ્રાથમીકતા નક્કિ છે. પરંતુ મારી પ્રાથમીકતા લોકોની સમસ્યાઓના તાત્કાલીક નિવારણની છે, તેમ મંત્રીશ્રી ચાવડાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે માણાવદર તાલુકા ભાજપના પ્રમુખ હરસુખભાઇ ગરાળાએ લોકોની રજૂઆતો સાથે સમસ્યાઓને સરકાર દ્વારા થતી સઘન કાર્યવાહીની વિગતો આપી હતી. કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી ઇજનેરે રસ્તાના કામની વિગતો આપી હતી. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અગ્રણી નારણભાઇ સોલંકી, વરંજાગભાઇ ઝાલા, દિશેન ટીલવા, ધીરૂભાઇ, મામલતદાર નારણભાઇ રામ, તાલુકા વિકાસ અધિકારી મોરી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
