Uncategorized

નાગરિકોની સુખાકારી – વહીવટી સરળતા માટે અમરેલીના બગસરાને નવો પ્રાંત જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી

નાગરિકોની સુખાકારી – વહીવટી સરળતા માટે
અમરેલીના બગસરાને નવો પ્રાંત જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી
——-
અમરેલી જિલ્લાના નવા બસગરા પ્રાંતમાં બગસરા અને
વડીયા તાલુકાને સમાવાયા: મુખ્ય મથક બગસરા રહેશે
——
આગામી ૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વથી નવો પ્રાંત અસ્તિત્વમાં આવશે

તા. ૮-૧-૨૦૨૧, અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા અને વડીયા તાલુકાના નાગરિકોની સુખાકારી અને વહીવટી કામોમાં સરળતા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બગસરા તાલુકાને નવો પ્રાંત જાહેર કર્યો છે. આ નવો પ્રાંત આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૧ એટલે પ્રજાસત્તાક પર્વથી અસ્તિત્વમાં આવશે.
અમરેલી જિલ્લામાં કુલ પાંચ તાલુકામાંથી નવા બગસરા પ્રાંતમાં બગસરા અને વડીયા તાલુકાને સમાવવામાં આવ્યા છે જેનું મુખ્ય મથક બગસરા રહેશે. અગાઉ બગસરા ધારી પ્રાંતનો ભાગ હતો. આ ધારી પ્રાંતમાંથી બગસરા તાલુકાના ૩૫ ગામ અને અમરેલી પ્રાંતમાંથી વડીયા તાલુકાના ૪૫ ગામ એમ નવા બગસરા પ્રાંતમાં કુલ ૮૦ ગામની ૧.૯૦ લાખથી વધુ વસ્તીનો સમાવેશ થાય છે. આ નવીન પ્રાંત અસ્તિત્વમાં આવવાથી વહીવટી સરળતા, કામગીરીઓનું ભારણ ઘટશે અને આ વિસ્તારના પ્રજાજનોને વધુ સગવડો મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા ક્ષેત્રફળ ધરાવતા જિલ્લાઓમાં ભૌગોલિક અંતરના કારણે નાગરિકોને વહીવટી કામોમાં જિલ્લા મુખ્ય મથક પર આવવા જવા માટે સમય, શક્તિ તથા નાણાનો વ્યય ન થાય અને પ્રજાને ત્વરિત સેવા મળી રહે અને સાથોસાથ વિકાસની પ્રક્રિયા ઝડપી બને તે માટે રાજ્ય સરકારે પ્રજાની સુખાકારી તથા વહીવટી અનુકૂળતાસર વિકાસ પ્રક્રિયાના ભાગરૂપે રાજ્યમાં જિલ્લા-તાલુકા વિભાજન બાદ રાજ્યમાં પ્રાંત કચેરીઓની પુનઃ રચના કરવામાં આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *