ચિત્તૂર
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં દિવાળીના તહેવાર પર ફટાકડા વેચતી દુકાનમાં આગ લાગી હતી.આ ઘટના ચિત્તૂર જિલ્લાના વડામલપેટાની છે. આ પછી આગ ઝડપથી ફેલાઈ અને આસપાસની દુકાનોને પણ લપેટમાં લઈ લીધી. આગ વધુ ભયંકર બની જતાં સ્થાનિક રહીશો સ્થળ પરથી ભાગી ગયા હતા. દુકાનમાં રાખેલા ફટાકડા ફૂટી જવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ. આ ઘટનાની તસવીર પણ સામે આવી. જેમાં ઘણી દુકાનોને સળગતી સ્પષ્ટ જાેઈ શકાય છે. સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર સોમવારે મનાવવામાં આવશે જેની તૈયારીઓ ચાલી રહી છે. સંપત્તિ અને સમૃદ્ધિના આ તહેવારની ઉજવણી કરતી વખતે ફટાકડા ફોડવાની પરંપરા છે. જેના કારણે દર વર્ષે આગની અનેક ઘટનાઓ સામે આવે છે. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થાય છે. દર વર્ષે સરકાર લોકોને સાવચેતી રાખવાની સલાહ આપે છે. ફાયર વિભાગ આગની ઘટનાઓને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરે છે. આમ છતાં કેટલીક દુર્ઘટનાને અટકાવી શકાતી નથી. આ વર્ષે દિવાળીના અવસર પર, આંધ્રપ્રદેશમાં ફટાકડાના ભાવ ખૂબ જ મોંઘા છે. આંધ્ર પ્રદેશના શહેરો અને નગરોમાં ફટાકડાના ભાવમાં સરેરાશ ૩૦ થી ૪૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. વેપારીઓ દાવો કરે છે કે તમિલનાડુના શિવકાશીમાં કેટલાક ફટાકડા એકમો બંધ થવાને કારણે અને ગ્રીન ફટાકડાના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે ભાવમાં વધારો ફટાકડાની અછત સાથે સંકળાયેલો છે. વિશાખાપટ્ટનમ શહેરના છૂટક ફટાકડા વિક્રેતાઓ કહે છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમારી પાસે માત્ર ૬૦ થી ૭૦ ટકા જ સ્ટોક છે. કારણ કે જથ્થાબંધ વેપારીઓએ છૂટક વેપારીઓને ઓછા ફટાકડા સપ્લાય કર્યા છે.


