આસામ
આસામ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(એએસડીએમએ)એ માહિતી આપી છે કે આસામમાં પૂરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે જે બાદ કુલ મૃતકોની સંખ્યા ૫૪ થઈ ગઈ છે. આસામના હોજઈ, નલબાડી, બજલી, ધૂબરી, કામરુપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લાઓમાંથી મોતની સૂચના મળી છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુદી પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી ૫૪ લોકોના જીવ જઈ ચૂક્યા છે. આસામના પૂરમાં ૨૮ જિલ્લાઓમાં ૧૮.૯૪ લાખ લોકો પૂરની સ્થિતિથી પ્રભાવિત થયા છે. રાજ્યના આંકડા મુજબ ૯૬ મહેસૂલી વર્તુળો હેઠળના ૨,૯૩૦ ગામો હાલમાં પાણીમાં છે. અહેવાલો મુજબ પૂરના પાણીથી પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૪૩૩૩૮.૩૯ હેક્ટર પાકની જમીન ડૂબી ગઈ છે. રાજ્યમાં બેકી, માનસ, પાગલડિયા, પુથિમરી, જિયા ભરાલી, કોપિલી ખાતે બ્રહ્મપુત્રા નદીનુ જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યુ છે. હાલમાં ૧,૦૮,૧૦૪ પૂર પ્રભાવિત લોકો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત ૩૭૩ રાહત શિબિરોમાં રહે છે. જેમાંથી એકલા બજલી જિલ્લામાં ૩.૫૫ લાખ, દારંગ જિલ્લામાં ૨.૯૦ લાખ, ગોલપારામાં ૧.૮૪ લાખ, બરપેટામાં ૧.૬૯ લાખ, નલબારીમાં ૧.૨૩ લાખ, કામરૂપમાં ૧.૧૯ લાખ અને હોજાઈ જિલ્લામાં ૧.૦૫ લાખ લોકોને અસર થઈ છે. લેટેસ્ટે અહેવાલો મુજબ આસામના કામરૂપ જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ છે. પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી ગયા. આ વિસ્તારના ૭૦,૦૦૦થી વધુ લોકોને અસર થઈ. અવિરત વરસાદને કારણે બોરોલિયા નદી અને જિલ્લાની અન્ય મોટી નદીઓના જળસ્તર વધી રહ્યા છે. બોરોલિયા નદીના પૂરના પાણીએ ગુરુવારે ચૌમુખા ખાતે એક પાળાનો એક ભાગ ધોવાઈ ગયો હતો અને હાજાે વિસ્તારના કેટલાંક ગામો ડૂબી ગયા હતા.
