બિહાર
બિહારના સિવાન જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ સંજાેગોમાં મોત થયું હતું. મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે, તેમની પુત્રીની દહેજ માટે હત્યા કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે સોનાની ચેન અને વીંટી ન આપવાના કારણે સાસરિયાઓએ તેમની પુત્રીની હત્યા કરી હતી. આ સનસનાટીભર્યા મામલામાં પોલીસ ૨ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલો સિવાન જિલ્લાના પચરુખી પોલીસ સ્ટેશન વિસ્તારના ભવાની મોડનો છે. અહીં રહેતા નારાયણ શાહના પુત્ર રાહુલ ગુપ્તાની ગર્ભવતી પત્ની જ્યોતિ દેવીનું શંકાસ્પદ સંજાેગોમાં મૃત્યુ થયું હતું. આ પછી સાસરિયાંના લોકો મૃતદેહને તેમના પિયરમાં ઘરની બહાર ફેંકીને ભાગી ગયા હતા. આ પછી મહિલાના પરિવારે મહિલાને સારવાર માટે સિવાન સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના વિશે મૃતકના સંબંધીઓએ જણાવ્યું કે, તેમની પુત્રી જ્યોતિના લગ્ન ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પચરુખી ભવાની મોર નિવાસી નારાયણ શાહના પુત્ર રાહુલ ગુપ્તા સાથે ધામધૂમથી થયા હતા, પણ લગ્ન બાદ પરિણીતાનો પતિ સોનાની ચેન અને વીંટી માંગતો હતો. સોનાની ચેન અને વીંટી ન આપવા બદલ તે જ્યોતિને માર મારતો હતો. આ વાત જ્યોતિ ઘણી વખત કરતી હતી. જેથી તેના પતિ રાહુલને પણ આ અંગે ઘણી વખત સમજાવવામાં આવ્યું હતું. મૃતકના સંબંધીઓએ જણાવ્યું હતું કે, જ્યોતિ ગર્ભવતી હતી અને તેના સાસરિયાઓએ કાવતરું કરીને તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને લાશને ઘરની બહાર ફેંકી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પચરુખી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટ મોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ સાથે જ મામલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસમાં શહેર પોલીસે બે લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા છે.છેલ્લા ઘણા સમયથી આપણા દેશમાં દહેજ પ્રથા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જાગૃત સ્ત્રીઓ, સમાજ, મહિલા મંડળો, સમાજ ક્લ્યાણ સંસ્થાઓ, શિક્ષિત નારી કેન્દ્ર અને ખુદ સરકાર પણ આ દહેજના સામાજિક દૂષણને દુર કરવા માટે કવાયતો હાથ ધરે છે. ત્યારે આજે પણ દેશમાં દહેજના નામે સ્ત્રીઓ સાથે મારપીટ કરીને હત્યા પણ કરી દેવામાં આવે છે. આવી જ એક ઘટના બિહારમાં બની છે.
