બેગૂસરાય
બિહારના બેગૂસરાયમાં દબંગોએ બિહાર પોલીસ અને નીતિશ સરકાર બંનેને ખુલો પડકાર ફેંકતા એક કલાક સુધી નેશનલ હાઈવે પર ૩૦ કિલોમીટર સુધી અંધાધુંધ ફાયરિંગ કર્યું જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારની સાંજે ૪થી ૫ કલાક વચ્ચે બેગૂસરાય જિલ્લાના બરૌની થર્મલ ચોક પર ફાયરિંગની શરૂઆત થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે બે બાઇક પર સવાર પાંચ ક્રિમિનલે થર્મલ ચોક પર ત્રણ લોકોને ગોળી મારી અને પછી એનએચથી બીહટ તરફ ભાગ્યા હતા. રસ્તામાં ફરી મલ્હીપુર ચોક પર અપરાધીઓએ બે લોકો પર ગોળી મારી હતી. ત્યારબાદ બરૌની પાસે નેશનલ હાઈવે પર બે અન્ય વ્યક્તિ પર ફાયરિંગ કર્યું જેમાં એકનું મોત થયું છે. બરૌની બાદ બછવાડા તરફ ભાગી રહેલા આ ક્રિમિનલોએ તેધડામાં અયોધ્યા-આધારપુરની આસપાસ બે લોકોને ગોળી મારી હતી. તેધડા બાદ બછવાડામાં ગોધના પાસે અન્ય બે વ્યક્તિને ગોળી મારી હતી. આ દરમિયાન તે એક કિલોમીટર સુધી ચાલુ બાઇક પર ફાયરિંગ કરતા રહ્યાં હતા. આ ગોળીબારીની વિગત પ્રમાણે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બેગૂસરાય જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારની ગોળીબારીની ઘટનાથી લોકોમાં ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગોળીબારીના સ્થળે અફરાતફરી જાેવા મળી હતી. ક્રિમિનલો ઘટનાને અંજામ આપીને બછવાડાના રસ્તેથી ભાગી ગયા હતા. જ્યારે રસ્તામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસ સ્ટેશન છે, ઓપી એનએચ પર છે. ગોળીઓનો અવાજ સાંભળી લોકો પોતાને બચાવવા આમતેમ ભાગવા લાગ્યા હતા. બાઇક સવાર ગુનેગારો હથિયારથી ફાયરિંગ કરતા આગળ વધી રહ્યાં હતા. ઘટના બછવાડા, ફુલબરિયા, બરૌની અને ચકિયા વિસ્તારમાં બની છે. અંધાધુંધ ફાયરિંગમાં બરૌનીના પિપરા દેવસ ગામના ચંદન કુમારનું મોત થયું છે. ઘટના બાદ જિલ્લામાં હડકંપ મચી ગયો છે અને હોસ્પિટલમાં લોકોના ટોળા ભેગા થયા છે.