બિહાર
સતત ત્રીજા દિવસે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે બબાલ છે. આ અગાઉ ટ્રેનો પર પથ્થરમારો અને આગચંપી કરાઈ. ટ્રેનો રોકીને પણ સતત વિરોધ કરાઈ રહ્યો છે. સમસ્તીપુર અને લખીસરાયમાં ટ્રેનોમાં આગચંપી કરાઈ છે. અનેક ટ્રેનના કોચ ભીડે આગને હવાલે કરી દીધા. જમ્મુતાવી ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનની કેટલીક બોગીઓને દેખાવકારોએ બાળી મૂક્યા. આ ઘટનાક્રમ હાજીપુર બરૌની રેલખંડના મોહિઉદ્દીનનગર સ્ટેશનમાં સામે આવ્યો. બિહાર સંપર્ક એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગચંપી કરાઈ. આ ટ્રેન દરભંગાથી નવી દિલ્હી જઈ રહી હતી. જેની ચાર બોગીઓ બાળી મૂકવામાં આવી. સમસ્તીપુરમાં પણ સેનાની ભરતી માટે કેન્દ્ર દ્વારા લોન્ચ કરાયેલી નવી અગ્નિપથ યોજનાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. આ બધા વચ્ચે દલસિંહસરાય રેલવે સ્ટેશન પર અવધ આસામ એક્સપ્રેસ ટ્રેનને રોકીને ભીષણ પ્રદર્શન કરાયું છે. આ તમામ આંદોલનકારી વિદ્યાર્થીઓ સરકારની સેના ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. રાંચીમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ સેાના ભરતી કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સશસ્ત્રદળોમાં ભરતી માટે જાહેર કરાયેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ સેનામાં ભરતીની આશા સેવતા યુવાઓએ રાંચીના મેઈન રોડ સ્થિત સેના ભરતી કાર્યાલય સામે પ્રદર્શન કર્યું છે. આ યોજનાના વિરોધમાં મધ્ય પ્રદેશના શહેરોમાં પણ ભારે વિરોધ પ્રદર્શન કરાયું છે. રાજસ્થાનના ભરતપુરમાં આંદોલનકારીઓએ રેલવે ટ્રેક ઉઘાડી નાખ્યા છે. ભારતીય સેનામાં ભરતીની નવી યોજના એટલે કે અગ્નિપથ યોજનાના વિરોધમાં ટ્રેનોને નુકસાન પહોંચાડવા સાથે શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે રાજનેતાઓના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે. સેના ભરતી યોજનાના વિરોધના નામે થઈ રહેલા આંદોલનમાં નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં પથ્થરમારો અને આગચંપી ઉપરાંત લોકોની લૂટફાટ પણ થઈ રહી છે. યોજનાનો વિરોધ કરી રહેલા દેખાવકારોએ બિહારના ડેપ્યુટી સીએમ રેણુ દેવીના ઘર પર હુમલો કર્યો છે. તેમના પુત્રએ કહ્યું કે બેતિયામાં અમારા ઘર પર હુમલો થયો. હુમલાના કારણે ખુબ નુકસાન થયું. હાલ તેઓ (રેણુ દેવી) પટણામાં છે. પૂર્વ ઉત્તર પ્રદેશના બલિયાથી લઈને પશ્ચિમ યુપી સુધી પ્રદર્શન કરવામાં આવ્યું છે. બલિયામાં અગ્નિપથના વિરોધમાં યુવાઓએ મોટાપાયે પ્રદર્શન કર્યું છે. અનેક ટ્રેનોમાં તોડફોડ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ બલિયા રેલવે સ્ટેશન પર ધુલાઈ માટે ઊભેલી એક ટ્રેનમાં યુવકોએ આગચંપી કરી જેના કારણે બોગી ભડભડ સળગવા લાગી. લાકડી ડંડાથી લેસ યુવાઓએ આવીને બબાલ મચાવવાની શરૂ કરી દીધી. જ્યારે પશ્ચિમ યુપીમાં પણ મથુરા અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન થયું છે. દેખાવકારોએ લખમિનિયા રેલવે સ્ટેશન ઉપર પણ ઉત્પાત મચાવ્યો અને આગચંપી તથા તોડફોડ કરી. રેલવે ટ્રેક પણ જામ કર્યા.