બિહાર
બિહારમાં અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના કારણે ટ્રેનની સેવાઓ પર ઘણી અસર પડી છે. ઘણી ટ્રેન સેવા બાધિત બની છે. બિહારના દાનાપુર રેલ મંડલના ડીઆરએમ પ્રભાત કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ઉગ્ર પ્રદર્શનને જાેતા ૫ ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત ૫૫ ટ્રેનોને રદ કરવામાં આવી છે. સુરક્ષા સંબંધિત ચિંતાને ધ્યાનમાં રાખી ૧૦૦થી વધારે રુટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે બિહારમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. હિંસક પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે. બેકાબૂ હિંસક પ્રદર્શનને જાેતા બિહારના ગૃહ વિભાગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રેલવે એસપી, જિલ્લા કલેક્ટર, વરિષ્ઠ પોલીસ અધિક્ષક જેવા આલાઅધિકારીઓને એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે. બિહારમાં હિંસક પ્રદર્શનના મામલે અત્યાર સુધી ૧૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૨૪થી વધારે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સરકારની આ યોજના સામે હરિયાણામાં પણ ઘણા જિલ્લામાં યુવાઓએ પ્રદર્શન કર્યું છે અને હાઇવે જામ કર્યો છે. આ સિવાય રેલવે ટ્રેક ઉપર પણ વિધ્ન ઉભા કર્યા છે. જાણકારી પ્રમાણે અગ્નિપથ યોજનાને લઇને હિસારમાં યુવાઓમાં રોષ છે. યોજનાના વિરોધમાં હિસારમાં સેકડો યુવાનો રસ્તા પર ઉતર્યા છે. હરિયાણાના ઘણા જિલ્લામાંથી ભરતી માટે યુવાનો હિસારમાં ટ્રેનિંગ લે છે.
