ચંડીગઢ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે માહી ગિલને પુષ્પગુચ્છ આપીને પાર્ટીમાં આવકાર્યા. આ દરમ્યાન સીએમ ખટ્ટર સિવાય કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભાજપ નેતા દુષ્યંત ગૌતમ પણ હાજર હતા. માહી ગિલ છેલ્લા બે દાયકાથી હિન્દી અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી છે. ૪૬ વર્ષીય ગિલે ૨૦૦૩માં ફિલ્મ ‘હવા’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘ખુશી મિલ ગયી’ અને ‘ર્સિફ પાંચ દિન’ જેવી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેની કારકિર્દીમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો, જ્યારે તેને ૨૦૦૮ની ફિલ્મ દેવ ડી એક હિન્દી રોમેન્ટિક ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી. અનુરાગ કશ્યપે આ ફિલ્મ લખી અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મે તેને એક નવી ઓળખ આપી. માહી ગિલને દેવ ડી પછી લોકપ્રિયતા મળી. તેની કારકિર્દીની અન્ય મહત્વની ફિલ્મ સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર ફ્રેન્ચાઈઝી રહી છે. તેણે નેશનલ એવોર્ડ વિજેતા પાન સિંહ તોમરમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેણે દબંગ, ગુલાલ, નોટ અ લવ સ્ટોરી, બુલેટ રાજા, વેડિંગ એનિવર્સરી સહિતની અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની નવી રિલીઝ ફિલ્મ ૨૦૨૦ ભૂમિ પેડનેકર-સ્ટારર દુર્ગામતી હતી, જેમાં તેણે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. ગિલ આગામી ક્રાઈમ સિરીઝ ‘રક્તાંચલ’ની બીજી સીઝનમાં જિમી શેરગિલ સાથે જાેવા મળશે. જે ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. માહી ગિલ પાંચ વર્ષની દીકરીની સિંગલ મધર પણ છે.પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિમાં દરરોજ નવા ચહેરાની એન્ટ્રી થઈ રહી છે. આ પહેલા અભિનેતા સોનુ સૂદે તેની બહેન માલવિકા સૂદને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી હતી. હવે ત્યાં જ લોકપ્રિય અભિનેત્રી માહી ગીલે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. માહી ગિલ ચંદીગઢમાં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગઈ છે.
