Chandigarh

પંજાબમાં પરાલી બાળવાના મામલામાં ઘટાડો ઃ કેબિનેટ મંત્રી

ચંદીગઢ
મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર દ્વારા ધાનના ભૂસાને બાળવા સામે જાેરશોરથી ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના પરિણામે રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં પરાલી સળગાવવાના બનાવોમાં ઘટાડો થયો છે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને પર્યાવરણ મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે પંજાબ રિમોટ સેન્સિંગ સેન્ટરના ડેટા મુજબ ૧૫ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૨ સુધીમાં રાજ્યભરમાં ૧૮૪૭ પરાલી સળગાવવાના બનાવો નોંધાયા છે. જ્યારે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૦માં અનુક્રમે ૨૩૮૯ અને ૫૫૬૨ કેસ નોંધાયા હતા. કેબિનેટ મંત્રીએ જણાવ્યુ હતુ કે ઘણા જિલ્લાઓમાં પરાલી સળગાવવાના સામાન્ય બનાવ નોંધાયા છે. તેમણે જણાવ્યુ કે રૂપનગર અને પઠાણકોટ જિલ્લામાં આગની કોઈ ઘટના નોંધાઈ નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે એસબીએસ નગર અને હોશિયારપુરમાં બે-બે ઘટનાઓ બની હતી. જ્યારે શ્રી મુક્તસર સાહિબ અને ભટિંડામાં આગની માત્ર ત્રણ ઘટનાઓ બની હતી. માનસા, બરનાલા, ફરીદકોટ અને એસએએસ નગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦થી ઓછી આગની ઘટનાઓ નોંધાઈ છે. મીત હેયરે કહ્યુ કે આ આંકડાઓ સાબિત કરે છે કે ખેડૂતોએ પંજાબ સરકારના પરાલી બાળવા વિરોધી અભિયાન અને તેને રોકવા માટે સરકારના પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રયાસોને સકારાત્મક સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ કે પંજાબ સરકારે પરાલીના યોગ્ય નિકાલ માટે ખેડૂતોને ૯૦૪૨૨ ખેતી મશીનો આપ્યા છે જ્યારે આ વર્ષે ખેડૂતોને ૩૧૦૦૦ વધુ મશીનો આપવામાં આવી રહ્યા છે. પર્યાવરણ મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે પંજાબના એર ક્વોલિટી ઈન્ડિકેક્સમાં પણ ગયા વર્ષની સરખામણીમાં સુધારો થયો છે, કારણ કે પરાલી બાળવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. પંજાબનો ગુણવત્તા સૂચકાંક આ વર્ષે ૯૩ છે જે ગયા વર્ષે આ સમય દરમિયાન ૧૧૬ હતો. ઉલ્લેખનીય છે કે ૦-૫૦ વચ્ચે એકયુઆઇ સારુ માનવામાં આવે છે.. ૫૧-૧૦૦ની વચ્ચે સંતોષજનક, ૧૦૧-૨૦૦ ની વચ્ચે સામાન્ય, ૨૦૧-૩૦૦ની વચ્ચે ખરાબ, ૩૦૧-૪૦૦ની વચ્ચે ખૂબ જ ખરાબ અને ૪૦૧-૫૦૦ની વચ્ચે ખૂબ જ ગંભીર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *