નવીદિલ્હી
દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ભારતમાં એક દિવસમાં કોવિડ-૧૯ના ૩૭૧૨ નવા કેસ સામે આવ્યા પછી દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૪,૩૧,૬૪,૫૪૪ થઇ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૯ હજારને પાર પહોંચી ગઈ છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ જાણકારી આપી હતી. સુરજેવાલાના મતે તેમને હળવો તાવ છે સાથે તેમાં કોરોનાના કેટલાક બીજા પણ લક્ષણો છે. સોનિયાએ પોતાને આઇસોલેટ કરી લીધા છે. ડોક્ટરોની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી છે. કોંગ્રેસના અન્ય નેતા પણ સંક્રમણની ચપેટમાં આવ્યા છે. સુરજેવાલાના મતે આ તે નેતા અને કાર્યકર્તા છે જેમણે સોનિયા ગાંધી સાથે ગત દિવસોમાં મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ પહેલાથી જ કોવિડ પોઝિટિવ છે. બુધવારે ઇડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને પાર્ટી સાંસદ રાહુલ ગાંધીને સમન્સ મોકલાવ્યું છે. ૮ જૂને સોનિયા ગાંધીને ઇડી સામે હાજર થવાનું છે. જાેકે સૂત્રોના મતે સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ થતા તેમના વકીલ વર્ચ્યુઅલ હાજર રહેવાની માંગણી કરી શકે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની બે દિવસીય લખનઉ યાત્રામાં કાપ મુકીને બુધવારે રાત્રે દિલ્હી રવાના થઇ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી બીમાર થવાથી તે પરત ફર્યા છે. યાત્રા વચ્ચે છોડીને દિલ્હી જવાનું કારણ પૂછવા પર કોંગ્રેસના પ્રવક્તા પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું કે અમને કોઇ આધિકારિક કારણ બતાવવામાં આવ્યું નથી. જાેકે નવ સંકલ્પ કાર્યશાળા ગુરુવારે પણ યથાવત્ રહેશે. અમારા રાષ્ટ્રીય સચિવ અહીં છે અને કાર્યશાળા ચાલી રહી છે. પ્રિયંકા જી ના કાર્યક્રમ સિવાય કશું પણ રદ થયું નથી.
