નવીદિલ્હી
હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સેક્ટર ૭૧માં આવેલા એક મોલમાં સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. ગુરુગ્રામના આ મોલમાં બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની કંપનીની ઓફિસ છે. સીબીઆઈએ જાેબના બદલે જમીન મામલામાં આ કાર્યવાહી કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે મોલમાં આવેલી વ્હાઇટ લેન્ડ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો તેજસ્વી યાદવના પરિવાર સાથે સંબંધ છે. આખા દેશમાં કુલ ૨૫ સ્થળો પર સીબીઆઈની રેઇડ ચાલી રહી છે. ગુરુગ્રામ પણ તે ૨૫ સ્થળોમાંથી એક છે. સી.બી.આઇની અલગ અલગ ટીમે બિહારમાં આર.જે.ડીના ચાર નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો જમીનના બદલામાં રેલવેમાં ભરતી સાથે જાેડાયેલો છે. આર.જે.ડીના રાજ્યસભા સાંસદ ફૈયાઝ અહમદ, રાજ્યસભાના સાંસદ અશફાક કરીમ, કોષાધ્યક્ષ અને એમ.એલ.સી સુનીલ સિંહ, પૂર્વ એમ.એલ.સી સુબોધ રોયના ઘરે સી.બી.આઇની ટીમ કાર્યવાહી કરી રહી છે. સીબીઆઈએ ભરતી કૌભાંડમાં ત્રીજી વખત દરોડા પાડ્યા છે. આરોપ છે કે લાલુ યાદવના રેલવે મંત્રી રહેતા જાેબ અપાવવાના બદલે જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. સીબીઆઈએ આ મામલાની તપાસ પછી ગત દિવસોમાં લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને કેટલાક અન્યો પર કેસ નોંધ્યો હતો. સી.બી.આઇએ ત્રણ મહિના પહેલાં કેસ દાખલ કર્યો હતો. એ પછી રાબડીદેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં તેજસ્વી યાદવના રૂમમાંથી અનેક દસ્તાવેજાે મળી આવ્યા હોવાની વાત છે. આ દરોડા પછી જ લાલુ યાદવની સૌથી નજીકના મનાતા ભોલા યાદવને ઝડપી લેવામાં આવ્યો હતો. ભોલા યાદવની પૂછપરછ પછી જ સીબીઆઈની આ કાર્યવાહી શરૂ કરાઈ છે. સીબીઆઈના દરોડા પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે સીબીઆઈની રેઇડથી ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમે લોકો સીબીઆઈના દરોડાથી ડરવાના નથી. જનતા અમારો પરિવાર છે અને પરિવાર બધું જાેઈ રહ્યો છે. આ પહેલી વખત દરોડા પડ્યા નથી. નવી સરકાર બન્યા પછી બીજેપી ડરી ગઇ છે. બન્ને સદનોમાં અમે બહુમત મેળવીશું. બન્ને સ્થાને અમારી બહુમતી છે.


