નવીદિલ્હી
તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં અત્યંત ગીત વિસ્તારમાં ઇસ્તિકલાલમાં ગઇકાલે એટલે કે રવિવારે (૧૩ નવેમ્બર) એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે અને ૮૧ લોકો ઘાયલ થયા છે. હવે આ બ્લાસ્ટ સાથે જાેડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. બોમ્બ બ્લાસ્ટમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તુર્કીના ગૃહ મંત્રી સુલેમાન સોયલુએ આ જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, સોમવારે રાજ્ય સંચાલિત અનાદોલુ એજન્સીના અંગ્રેજી ભાષાના ટિ્વટર એકાઉન્ટે મંત્રી સુલેમાન સોયલુને ટાંકીને આ વાત કહી. અલ જઝીરાએ સૂત્રોને ટાંકીને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે હુમલામાં ૩ લોકો સામેલ હતા. જેમાં એક મહિલા અને બે યુવકો હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે- એક મહિલા લગભગ ૪૦ મિનિટ સુધી શેરીમાં રાખવામાં આવેલી બેન્ચ પર બેઠી હતી. આ પછી, તે ભીડવાળી જગ્યાએ બેગ મૂકીને બહાર નીકળી ગઈ. થોડીવાર પછી વિસ્ફોટ થયો. આ બેગમાં બોમ્બ હોવાનું માનવામાં આવે છે. તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્ટેએ આ વિસ્ફોટને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે વિસ્ફોટને અંજામ આપનાર ગુનેગાર એક મહિલા હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું- અમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. વિસ્ફોટમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સારવાર દરમિયાન ૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર મામલાની વિગતો માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. અલ જઝીરાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિસ્ફોટોને અંજામ આપનાર શંકાસ્પદ મહિલા મહિલા કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીની સભ્ય છે. આ પાર્ટી કુર્દિશ ઉગ્રવાદી ડાબેરી સંગઠન છે. તે ૧૯૮૪ માં બનાવવામાં આવ્યું હતું. ૧૯૯૦ના દાયકાથી તેણે આતંકવાદ ફેલાવવાનું શરૂ કર્યું છે. તે મોટે ભાગે ઉત્તર ઇરાક અને દક્ષિણ-પૂર્વ તુર્કીમાં સક્રિય છે. તેનો હેતુ દક્ષિણપૂર્વ તુર્કીમાં એક સ્વતંત્ર કુર્દિશ રાજ્યની સ્થાપના કરવાનો હતો. બ્લાસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં, ઘણા લોકો શેરીમાં આગળ વધી રહ્યા છે જ્યારે તે શેરીમાં જાેરથી બ્લાસ્ટ થાય છે. શેરીમાં પ્રવેશતા લોકો તરત જ બહાર દોડવા લાગે છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ આગ અને ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા છે.


