નવીદિલ્હી
એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત થઇ છે. દેશને નવા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. દેશના નાગરિકો સહિત ટોચના નેતાઓ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી રહ્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના ૧૫માં રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂને ક્રોસ વોટિંગ દ્વારા અત્યાર સુધી ૧૭ સાંસદો અને ૧૦૪ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. અત્યાર સુધી ૧૬ રાજ્યોમાં ૧૦૪ ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યું છે. દ્રૌપદી મુર્મૂને સમર્થન આપનારા સાંસદોની સંખ્યા ૫૨૩ હતી, પરંતુ મત ૫૪૦ મળ્યા. જેનો અર્થ થાય છે કે, ૧૭ સાંસદોએ તેમના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું. આમ અત્યાર સુધી ૧૬ રાજ્યોમાં ૧૦૪ ધારાસભ્યોએ ક્રોસ વોટ કરી દ્રૌપદી મુર્મૂને વોટ આપ્યો છે. વિપક્ષમાં હોવા છતાં આ ધારાસભ્ય અને સાંસદોએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું છે અને તેમને મત આપ્યા છે. ગુજરાતમાં એનસીપી ધારાસભ્ય કાંધલ એસ જાડેજાએ કહ્યુ હતુ કે, તેઓ અંતરાત્માનો અવાજ સાંભળી દ્રૌપદી મુર્મૂને સમર્થન આપશે. જ્યારે તેમની પાર્ટી એનસીપી યશવંત સિંહાના પક્ષમાં હતી. ગુજરાતમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુભાઇ વસાવાએ પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. ઉપરાંત અખિલેશ યાદવના કાકા શિવપાલે દ્રૌપદી મુર્મૂને મત આપ્યો હતો. તેમના બરેલીના ધારાસભ્ય શહઝીલ ઇસ્લામે પણ ખુલીને ક્રોસ વોટિંગ કર્યું હતું. હરિયાણાના કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇએ દ્રૌપદી મુર્મૂને વોટ આપ્યો હતો. રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીના ત્રણ રાઉન્ડમાં કુલ ૩૨૧૯ મત હતા. જેનું મૂલ્ય ૮,૩૮,૮૩૯ હતું. જેમાંથી દ્રૌપદી મુર્મૂને ૨૧૬૧ મત મળ્યા, જેનું મૂલ્ય ૫,૭૭,૭૭૭ છે. જ્યારે યશવંત સિંહાને ૧૦૫૮ વોટ મળ્યા, જેનું મૂલ્ય ૨,૬૧,૦૬૨ છે. પ્રથમ રાઉન્ડમાં મુર્મૂને ૫૪૦ અને સિંહાને ૨૦૮ સાંસદોના વોટ મળ્યા હતા. બીજા રાઉન્ડમાં મુર્મૂને ૮૦૯ અને સિંહાને ૩૨૯ વોટ મળ્યા હતા. થર્ડ રાઉન્ડમાં મુર્મૂને ૮૧૨ અને સિંહાને ૫૨૧ વોટ મળ્યા હતા.
