નવીદિલ્હી
ભારતની ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રોજર બિન્નીની ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદે વરણી લગભગ નિશ્ચિત છે. રોજર બિન્ની વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. ગાંગુલી છેલ્લા ત્રણ વર્ષથી બીસીસીઆઈના અધ્યક્ષ પદે છે અને ૧૮ ઓક્ટોબરે યોજાનાર બોર્ડની વાર્ષિક સાધારણ સભામાં તે બિન્ની માટે પોતાનું પદ છોડશે. રોજર બિન્નીએ મંગળવારે આ પદ માટે પોતાની દાવેદારી પણ નોંધાવી હતી. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે બિન્નીની બિનહરીફ વરણી થવાની સંભાવના છે. ૬૭ વર્ષીય બિન્ની અત્યાર સુધી બોર્ડ અધ્યક્ષ માટે દાવેદારી કરનાર એકમાત્ર ઉમેદવાર છે. મુંબઈમાં બોર્ડની એજીએમ ૧૮મીએ યોજાશે અને તે અગાઉ કોઈ અન્ય ઉમેદવાર બોર્ડના સર્વોચ્ચ પદ માટે દાવેદારી નહીં નોંધાવે તો બિન્ની ગાંગુલીનું સ્થાન લેશે તે નક્કી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ચાલી રહેલી ચર્ચાઓના અંતે બિન્નીને બોર્ડના ૩૬માં અધ્યક્ષનો તાજ સોંપાય તે પાક્કું જણાય છે તેમ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સતત બીજી ટર્મ માટે બીસીસીઆઈના સેક્રેટરી તરીકે યથાવત્ રહેશે. જય શાહ આ ઉપરાંત આઈસીસી બોર્ડમાં પણ ગાંગુલીનું સ્થાન લેશે. જય શાહે બોર્ડના સેક્રેટરી પદ માટે સળંગ બીજી ટર્મ માટે દાવેદારી નોંધાવી છે. જ્યારે એકમાત્ર કોંગ્રેસી રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે બોર્ડમાં યથાવત્ રહેશે.


