નવીદિલ્હી
ક્રિપ્ટોકરન્સીની જેમ રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ ઇ-રૂપિયાની જાહેરાત કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કોન્સેપ્ટ નોટ જાહેર કરીને ઇ-નોટ કેવી હશે તેની જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી બે અલગ અલગ રૂપમાં જાેવા મળશે. તેમાં રિટેલ ઇ-નોટ અને હોલસેલ ઇ-રૂપિયા એમ બે અલગ-અલગ રૂપમાં જાેવા મળશે. હોલસેલ ઇ-રૂપિયા માત્ર અમુક ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન માટે જ હશે.
જ્યારે રિટેલ ઇ-રૂપિયા જાહેર જનતા પણ વાપરી શકશે. આ અંગે સેન્ટ્રલ બેન્કનું કહેવું છે કે, તે ટૂંક સમયમાં જ ઇ-રૂપિયાનો પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરવાનો છે. આ પાયલટ પ્રોજેક્ટ ડિજિટલ રૂપિયાના કેટલાક ખાસ ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મોડલ એમ બે પ્રકારે ઇ-રૂપિયા જાેવા મળશે. તેમાં ડાયરેક્ટ મોડલવાળા ઇ-રૂપિયા રિઝર્વ બેન્ક જાહેર કરશે.
જ્યારે ઇનડાયરેક્ટ મોડલવાળા ઇ-રૂપિયામાં બેન્કની ભાગીદારી હશે. ટોકન તરીકે ઇ-રૂપિયાનો ઉપયોગ કરી શકાશે. એકાઉન્ટિંગના ઉદ્દેશ્યથી પણ ઇ-રૂપિયા અલગ હશે. આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યુ હતુ કે, ડિજિટલ રૂપિયો ભારતના અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. નાણાકીય અને ચૂકવણીની પ્રકિયાને પણ વધુ કાર્યદક્ષ બનાવશે. આ ઉપરાંત નાણાકીય સમાવેશને આગળ વધારવામાં યોગદાન આપશે.
આરબીઆઈના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે કોન્સેપ્ટ નોટ જાહેર કરતા જણાવ્યુ હતુ કે, પાયલટ પ્રોજેક્ટમાં સ્કોપ જેમ જેમ વધતો જશે તેમ તેમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિજિટલ રૂપિયાના સ્પેસિફિક ફિચર્સ અને બેનિફિટ્સને લઈને જાણકારી આપતું રહેશે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી ર્નિમલા સીતારમણે ૧લી ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે બજેટ રજૂ કરતી વેળા આગામી નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડિજિટલ કરન્સી કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી લોન્ચ કરશે તેવી જાહેરાત કરી હતી.
ર્નિમલા સીતારમણે કહ્યુ હતુ કે, ડિજિટલ રૂપિયા લાવવાનો ર્નિણય ભારતીય રિઝર્વ બેન્કની સલાહથી સમજી-વિચારીને લેવામાં આવ્યો છે. આરબીઆઈની ડિજિટલ કરન્સીને કાયદાકીય માન્યતા મળેલી હશે. પાયલટ પ્રોજેક્ટ માટે દેશની ૪ સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાને સામેલ કરવામાં આવી છે.


