નવીદિલ્હી
ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે કહ્યું હતું કે, તેઓ તેમના વચનો અમુક હદ સુધી પૂર્ણ કરવામાં સક્ષમ છે, જેમાં ઓછામાં ઓછી એક બંધારણીય બેંચને દરેક સમયે કાર્યરત કરવી, સુનાવણી પ્રણાલીને સુવ્યવસ્થિત કરવી અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડન્સી ઘટાડવાનો સમાવેશ થાય છે.સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત એક વિદાય સમારંભમાં જસ્ટિસ લલિતે કહ્યું કે જે દિવસથી તેમણે મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી સુપ્રીમ કોર્ટમાં ૧૦,૦૦૦ થી વધુ કેસોનો ઉકેલ આવ્યો છે અને વધારાની ૧૩,૦૦૦ ખામીયુક્ત અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આજે તમારી સામે મને એ વચનો યાદ છે જે મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે કર્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે મેં કહ્યું હતું કે, હું સૂચિની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરીશ. હું જાેઈશ કે, ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ સંપૂર્ણ રીતે કાર્યરત રહે અને નિયમિત બાબતોને ટૂંક સમયમાં તારીખ મળે. મારે કહેવું જ જાેઈએ કે, એક હદ સુધી હું તે વચનો પૂરા કરવામાં સફળ રહ્યો છું. જસ્ટિસ લલિતે કહ્યું કે, જે દિવસે તેમણે ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા તેમણે અન્ય તમામ જસ્ટિસ સાથે એક પૂર્ણ અદાલતની મીટિંગ કરી હતી અને તેમણે ૩૪ સ્વીકૃત પદના મુકાબલે ૩૦ જસ્ટિસ સાથે શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, આજે આપણે ૨૮ છીએ આવતીકાલે ૨૭ થઈ શકે છે. તેથી મેં ફક્ત ૩૦ ને ૫ નંબરથી વિભાજિત કર્યું અને કહ્યું કે, છ બંધારણીય બેંચ શક્ય છે. એકથી છ સુધી અમે નક્કી કર્યું છે કે, તમામ ૩૦ ન્યાયાધીશો કોઈને કોઈ બંધારણીય બેંચનો ભાગ હશે અને શક્ય તેટલા ઓછા સમયમાં અમે છ બેંચ ચાલું કરી શકીએ છીએ. જસ્ટિસ લલિત ૨૭ ઓગસ્ટના રોજ ૪૯માં ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમણે કહ્યું કે મેં આ જ વિચાર્યું હતું કે આ કોર્ટમાં આપણે દરેક સમયે ઓછામાં ઓછી એક બંધારણીય બેંચનું કામ કરવું પડશે અને મારે કહેવું જાેઈએ કે એક ખાસ દિવસે ત્રણ બંધારણીય બેંચ કોર્ટમાં એકસાથે કામ કરતી હતી અને તે સમયે અમે લાઇવ સ્ટ્રીમિંગ સિસ્ટમ શરૂ કરી હતી.