નવીદિલ્હી
દિલ્હીના રાજ્ય ચૂંટણી પંચે એમસીડી ચૂંટણી માટેના નામાંકન અંગેના આંકડા જાહેર કર્યા છે. દિલ્હીના રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આયોગને ૨૫૦ વોર્ડ માટે કુલ ૨૫૮૫ નામાંકન મળ્યા હતા. જેમાંથી ૧૧૨૪ પુરૂષ અને ૧૪૬૧ મહિલા ઉમેદવારો હતા, પરંતુ ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ માત્ર ૧૪૧૬ નામાંકન જ માન્ય જણાયા હતા. જેમાં પુરુષો માટે ૬૭૪ અને મહિલાઓ માટે ૭૪૨ નોમિનેશન છે. ચકાસણી બાદ ૧૧૬૯ નામંજૂર કરવામાં આવ્યા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નામાંકન માટેની છેલ્લી તારીખ ૧૪ નવેમ્બર હતી અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૧૯ નવેમ્બર છે. બીજી તરફ એમસીડી ચૂંટણીમાં કોંગ્રેસના ૩ ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ત્રણ વોર્ડમાં ઝરોડા (વોર્ડ નંબર ૧૦), સુરેન્દર સિંહ, દેવ નાગર (વોર્ડ નંબર ૮૪), સુશીલા મદન ખોરવાલ અને લાજપત નગર (વોર્ડ નંબર ૧૪૪)માં બાલા સુબ્રમણ્યમના નામ રદ કરવામાં આવ્યા છે. આ સાથે આ વખતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૩૯ અપક્ષ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભાજપે એમસીડી ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના ૪૦ નેતાઓના નામ સામેલ છે. આ યાદીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય ઘણા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. આ સાથે ભાજપ ચૂંટણીને લઈને દિલ્હીમાં અનેક મેગા રોડ શો યોજવાની યોજના તૈયાર કરી રહી છે. ભાજપ દિલ્હીના તમામ વિસ્તારોમાં ૧૪ રોડ શો કરશે. આમ આદમી પાર્ટીએ એમલસીડી ચૂંટણી માટે તમામ ૨૫૦ વોર્ડમાં પાર્ટી કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું. તમામ ઉમેદવારો પોતપોતાના વોર્ડની ઓફિસમાં જાેડાઈને કામ કરશે. આ ઉપરાંત આપે તમામ વોર્ડમાં પદયાત્રાઓ શરૂ કરી હતી. આપનું કહેવું છે કે દિલ્હીને વધુ સારું રાજ્ય બનાવવા માટે એમસીડીમાં સારી સરકાર હોવી જરૂરી છે અને અરવિંદ કેજરીવાલે આ માટે ૧૦ ગેરંટી સાથે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
