નવીદિલ્હી
અમર જવાન જ્યોત ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદ થયેલા ૩,૮૪૩ ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવી હતી. તે સૌ પ્રથમ ૧૯૭૨માં પ્રગટાવવામાં આવી હતી. ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૨ના રોજ તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તો બીજી તરફ, ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે ૨૬,૪૬૬ ભારતીય સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું હતું જેમણે ૧૯૪૭માં દેશની આઝાદી પછી શહીદી વહોરી હતી. આ સ્મારકનું ઉદ્ઘાટન ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.દિલ્હીમાં ૫૦ વર્ષથી ઈન્ડિયા ગેટની ઓળખ બનેલ અમર જવાન જ્યોતને યુદ્ધ સ્મારકની જ્યોતમાં વિલિન કરવામાં આવી છે. શુક્રવારે બપોરે ૩.૩૦ કલાકે સમારોહ શરૂ થયો હતો. અમર જવાન જ્યોતિને મશાલ સાથે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે યુદ્ધ સ્મારક પર લઈ જવામાં આવી હતી. આ કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કર્યું હતું કે અમર જવાન જ્યોતિ પાસે ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. મૂળ મૂર્તિ તૈયાર ન થાય ત્યાં સુધી આ મૂર્તિ ત્યાં જ રહેશે. તેમણે વધુમાં કહ્યું, “એવા સમયે જ્યારે સમગ્ર દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે.”