નવીદિલ્હી
પશ્ચિમ બંગાળના બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને નાગરિકતા સુધારો કાયદો (સી.એ.એ) વહેલી તકે લાગુ કરવા વિનંતી કરી હતી. આ વિષયમાં અમિત શાહે તેમને ખાતરી આપી હતી કે, કોવિડ-૧૯ રસીકરણની કવાયત પૂર્ણ થયા બાદ આ અંગેના નિયમો તૈયાર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી શાહને મળ્યા બાદ, (ટી.એમ.સી. કોર્પોરેશન) પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ભરતી કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા ૧૦૦ જેટલા તૃણમૂલ કોંગ્રેસ (ટી.એમ.સી.) નેતાઓની યાદી પણ સુપરત કરી હતી, જેમાં રાજ્યના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીનો સમાવેશ થાય છે. કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને ઉઘાડા પાડવા અધિકારીએ તપાસની માંગ કરી હતી, કેન્દ્રીય ગૃહમંત્રીને કેટલાક (ટી.એમ.સી.) નેતાઓના લેટરહેડ પણ આપ્યા હતા, જેમાં ધારાસભ્યો પણ સામેલ હતા, જેનો ઉપયોગ નોકરીઓ માટે કથિત રીતે લાંચ લઈને કેટલાક નામોની ભલામણ કરવામાં આવી છે. શાહને મળ્યા બાદ તેમણે ટ્વીટ કર્યું, ‘કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદમાં તેમના કાર્યાલયમાં ૪૫ મિનિટ સુધી મળવું મારા માટે સન્માનની વાત છે. મેં તેમને શિક્ષક ભરતી કૌભાંડ જેવી ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં કેવી રીતે પશ્ચિમ બંગાળ સરકાર સંપૂર્ણપણે ડૂબી ગઈ છે તે વિશે જણાવ્યું, તેમજ તેમને વહેલી તકે (સી.એ.એ) લાગુ કરવા વિનંતી કરી છે. અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે (સી.એ.એ)નો અમલ પશ્ચિમ બંગાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેનો લાભ થઈ શકે છે. (સી.એ.એ) ૧૧ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને ૨૪ કલાકની અંદર ૧૨ ડિસેમ્બરે સૂચિત કરવામાં આવ્યું હતું. જાેકે, હજુ સુધી તેના નિયમો બનાવવામાં ન આવ્યા હોવાથી અમલ અટકી ગયો છે. (સી.એ.એ) વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને ટીકાકારોનું કેહવું છે કે, આ કાનૂન મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. મે મહિનામાં, બંગાળમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, શાહે કહ્યું હતું કે કોવિડ મહામારી સમાપ્ત થયા પછી કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદો પડોશી દેશો-બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓને નાગરિકતા આપવા માંગે છે, જેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધીમાં ભારતમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. આજ સમયે, ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારે પત્રકારો સાથે વાત કરતા, ટીએમસી નેતા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ સાધતા કહ્યુ કે, તેમની મરજી વિના ભરતી કૌભાંડ ન થઈ શકે. અધિકારીએ કહ્યું કે આ કૌભાંડે શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા ૮૦-૯૦ લાખ લોકોની કારકિર્દી બરબાદ કરી દીધી.
