નવીદિલ્હી
ગ્રાહકો હવે પેપરલેસ અને ડિજિટલ પ્લેટફોર્મ યોનોનો ઉપયોગ કરીને તેમના પોતાના ઘરેથી રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટની સુવિધા મેળવી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેન્દ્ર/રાજ્ય સરકાર અને ડીફેન્સ પગારદાર ગ્રાહકોને હવે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ હેઠળ પર્સનલ લોન મેળવવા માટે બેંકની શાખાની મુલાકાત લેવાની કોઇ જરૂર રહેશે નહીં. ક્રેડિટ ચેક, લાયકાત, મંજૂરી અને ડોક્યેમેન્ટેશન હવે ડિજિટલી અને નિશ્ચિત સમયમાં પૂર્ણ થઇ શકશે. જે ગ્રાહકો યોગ્ય લાયકાત ધરાવે છે તેઓ હવે કોઈપણ કાગળ ભર્યા વિના યોનો એસ.બી.આઈ દ્વારા રૂ. ૩૫ લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકશે. આ લોન માટે ગ્રાહકોને એકદમ સરળ અને ઝડપી એપ્લિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.દેશના સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકનો અવારનવાર કોઇ ખાસ સુવિધા કે યોજનાઓ આપતી રહે છે. જેથી મહત્તમ લોકો સુધી બેંકિંગના લાભો પહોંચી શકે. ત્યારે હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના યોનો પ્લેટફોર્મ પર ગ્રાહકોને ડિજિટલી સશક્ત કરવાના ધ્યેય સાથે રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટ પર કરેલ ટ્વીટ પ્રમાણે “તમારા સપનાને હા કહો! અમારા લાયક પગારદાર ગ્રાહકો માટે રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ (આર.ટી.એક્સ.સી) ની શરૂઆત. હવે યોનો એપ પર ૩૫ લાખ સુધીની સરળ અને ત્વરિત લોન મળશે.”
