નવીદિલ્હી
કાનપુરના ઔરૈયા પાસે સોમવારે સવારે મોટી ટ્રેન દુર્ઘટના થતા બચી ગઈ હતી. જ્યાં ફાફુંડ સ્ટેશનના રેલ્વે ક્રોસિંગ કેંઝારી પાસે એક ટ્રેક્ટર અચાનક પાટા પાસે આવી ગયું અને નવી દિલ્હીથી ગુવાહાટી જતી (૨૨૪૫૦) નોન સ્ટોપ ટ્રેન સાથે અથડાયું. ટ્રેક્ટર સાથે અથડાયા બાદ ટ્રેન નસીબથી બચી ગઈ હતી અને ટ્રેક્ટર ઉડી ગયું હતું. અકસ્માત થતાંની સાથે જ ટ્રેનના ડ્રાઈવરે ટ્રેનને થોડે દૂર રોકી દીધી હતી. જાેરદાર વિસ્ફોટના કારણે મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. રેલવે પ્રશાસનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જાેકે રાહતની વાત એ છે કે આ ઘટનાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી મળતાં જ રેલવે પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ એક કલાકમાં ટ્રેક્ટરને અહીંથી હટાવીને રેલ ટ્રાફિકને ઠીક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બીજી ઘણી ટ્રેનો પાછળ રહી ગઈ હતી. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેન સવારે ૫ વાગ્યાની આસપાસ પસાર થઈ રહી હતી. ત્યારે અકસ્માત સર્જાયો હતો. હાલ ટ્રેનને આગળ ધપાવવામાં આવી છે. નવી દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી ટ્રેનના ડ્રાઇવરે ઉતાવળમાં ટ્રેન રોકી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. રેલ્વે પ્રશાસનને આ ઘટના અંગે ઉતાવળમાં જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે.