નવીદિલ્હી
રાજ્યસભા ચૂંટણીમાં અજય માકનની હાર બાદ કોંગ્રેસ પાર્ટીએ ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પાર્ટીએ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈને બહાર કરી દીધા છે. નોંધનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય બિશ્નોઈએ અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા માટે ક્રોસ વોટિંગ કર્યું હતું. કાર્તિકેય શર્માને ભાજપ અને જેજેપીનું સમર્થન હાસિલ હતું. ૧૦ જૂને યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈએ ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસના ઉમેદવાર અજય માકનને હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલાથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કોંગ્રેસ કુલદીપ બિશ્નોઈને સીડબ્લ્યૂસી (વિશેષ આમંત્રિત) ના સભ્ય પદેથી હટાવવાની સાથે સાથે સસ્પેન્ડ કરવાની તૈયારીમાં છે. તો તેનું ધારાસભ્ય પદ રદ્દ કરાવવા માટે પણ અધ્યક્ષને પત્ર લખવામાં આવશે. પરિણામ બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના સત્તાવાર મતદાન એજન્ટ બીબી બત્રાએ કહ્યુ હતુ કે કુલદીપ બિશ્નોઈએ પાર્ટીના આદેશ વિરોધ ક્રોસ વોટિંગ કર્યું છે. હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈને રાહુલ ગાંધીના ખાસ ગણવામાં આવે છે. તેમના બળવો કોંગ્રેસને ભારે પડ્યો અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટી નેતા અજય માકન રાજ્યસભા ચૂંટણી હારી ગયા. માકનને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ હાર આપી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય બિશ્નોઈ પર પ્રતિક્રિયા આપતા અજય માકને કહ્યુ કે હરિયાણાની જનતા તેને માફ કરશે નહીં. કોંગ્રેસના ઉમેદવાર માકને પરિણામ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે પ્રથમ વરીયતામાં અપક્ષ ઉમેદવાર કરતા આગળ હતા. અમારા એક યોગ્ય વોટને રદ્દ કરી દેવામાં આવ્યો જ્યારે બીજા પક્ષના અમાન્ય વોટને યોગ્ય માનવામાં આવ્યો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે તેના માટે કાયદાકીય સલાહ લઈ રહ્યાં છીએ. તો ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા માકને કહ્યું કે, અમને શરૂઆતથી લાગતું હતું કે અંતમાં કંઈ ગડબડ થશે. માકને કહ્યુ કે, અમારા ધારાસભ્યો લાલચમાં આવ્યા નહીં.
