નવીદિલ્હી
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરમાં કારગિલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યું કે દેશની સેવામાં પોતાના પ્રાણ આપનાર શહીદોને આપણે આજે યાદ કરી રહ્યા છીએ. આપણી સેનાએ હંમેશા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ૧૯૯૯ના યુદ્ધમાં આપણા ઘણા વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, હું તેમને નમન કરું છું. કારગિલ વોર મેમોરિયલમાં ૨૪ થી ૨૬ જુલાઇ સુધી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ૧૯૬૨માં ચીને લદ્દાખમાં આપણા ક્ષેત્ર પર કબજાે કર્યો હતો. ત્યારે પંડિત નહેરુ આપણા દેશના પ્રધાનમંત્રી હતા. હું તેમની નિયતિ પર સવાલ ઉઠાવીશ નહીં. ઇરાદા સારા હોઇ શકે છે પણ આ નીતિયો પર લાગુ થતા નથી. હું પણ એક વિશેષ રાજનીતિક દળથી આવું છું પણ હું ભારતના કોઇપણ પ્રધાનમંત્રીની ટીકા કરવા માંગતો નથી. કોઇની નીતિયોને લઇને આપણે ટીકા કરી શકીએ છીએ પણ કોઇની નિયતિને લઇને સવાલ ઉઠાવી શકીએ નહીં. જાેકે ભારત આજે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક છે. રાજનાથ સિંહે કહ્યું કે ૧૯૬૨માં આપણા દેશના લોકોએ જે નુકસાન ઉઠાવવું પડ્યું તેનાથી દેશ સારી રીતે પરીચિત છે. તે નુકસાનની ભરપાઇ આજ સુધી થઇ શકી નથી. તેમણે કહ્યું કે દેશ આજે જે ઝડપથી આગળ વધી રહ્યો છે હું ડંકાની ચોટ પર કહેવા માંગીશ કે હવે ભારત કમજાેર રહ્યું નથી પણ દુનિયામાં તાકાતવર દેશ બનતો જઈ રહ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે કારગિલ યુદ્ધમાં વિજય ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમનો ગૌરવપૂર્ણ અધ્યાય છે. દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાને બનાવી રાખવામાં ભારતીય સેનાનું ઘણું મોટું યોગદાન છે.

