નવીદિલ્હી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશમાં વધી રહેલી ગરીબી, બેરોજગારી અને અસમાનતાને મુદ્દે ચિંતા જાહેર કરીને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું હતું. દત્તાત્રેય હોસબલેએ કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતાં નોકરી ઇચ્છુકો જ નોકરીની તકો ઊભી કરનારા બની જશે. સંઘને સંલગ્ન સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત યોજવામાં આવેલા વેબિનારને સંબોધતાં દત્તાત્રેય હોસબલેએ જણાવ્યું હતું કે દેશમાં ગરીબી રાક્ષસની જેમ ઊભી છે. આ રાક્ષસને હણવાની જરૂર છે. ૨૦ કરોડ લોકો હજી ગરીબી રેખાથી નીચે જીવી રહ્યા છે તે દુઃખનીય છે. દેશના ૨૩ કરોડ લોકો દૈનિક રૂપિયા ૩૭૫ કરતાં ઓછી આવક ધરાવે છે. દેશમાં ૪ કરોડ બેરોજગાર છે. શ્રમિકો પર થયેલા સર્વેક્ષણનાં તારણો કહે છે કે બેરોજગારી દર ૭.૬ ટકા પ્રવર્તી રહ્યો છે. આર્થિક અસમાનતા બીજાે મોટો મહત્ત્વનો પ્રશ્ન છે. એક આંકડો કહે છે કે ભારતનો વિશ્વના છ ટોચના અર્થતંત્રમાં સમાવેશ થાય છે. પરંતુ શું આ સારી સ્થિતિ છે? ભારતની એક ટકા વસતી દેશની ૨૦ ટકા આવક ધરાવે છે. દેશની ૫૦ ટકા વસતી દેશની આવકમાં માત્ર ૧૩ ટકાની ભાગીદારી ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્રે ગરીબી અને વિકાસ મુદ્દે કરેલા નિરીક્ષણોને ટાંકતાં દત્તાત્રેય હોસબલે જણાવ્યું હતું કે દેશના મોટાભાગની વસતી હજી શુદ્ધ પાણી અને પોષક આહાર સુધીની પહોંચ ધરાવતી નથી. ગરીબી માટે નબળું શિક્ષણ પણ જવાબદાર છે. તેથી જ નવી શિક્ષણ નીતિ ઘડી કાઢવામાં આવી છે. ગરીબી માટે જળવાયુ પરિવર્તન પણ જવાબદાર છે. અને સરકારની અપૂરતી કાર્યકુશળતા પણ ગરીબી માટે કારણભૂત છે. સંઘના મહામંત્રીની આ ટિપ્પણી ચેતવણી સમાન ગણવામાં આવે છે.
