Delhi

જાણો કેવી રીતે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી શકાય કેવી છે જાેગવાઈ

નવીદિલ્હી
પોલીસ જનતાની રક્ષક હોય છે, ભક્ષક નહીં. સામાન્ય જનતાની રક્ષા માટે પોલીસ અસ્તિત્વમાં આવી છે. સૈનિક સરહદ પર દેશની રક્ષા કરે છે તેમ એક પોલીસ દેશની સરહદની અંદર નાગરિકોના અધિકારોની રક્ષા કરે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ પોલીસને અપાર શક્તિઓ આપે છે, જેથી રાજ્ય દ્વારા મળતા અધિકારોની રક્ષા કરી શકાય. રાજ્યના નાગરિકોની રક્ષા કરવી તેનું કર્તવ્ય છે. તેના માટે રાજ્ય પોલીસની રચના કરે છે. પોલીસ સમાજમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા સતત પ્રયાસ કરે છે. ઘણી વખતે પોલીસનું અયોગ્ય વર્તન જાેવા મળે છે. વર્ષ ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટે પ્રકાશ સિંહના કેસમાં સંજ્ઞાન લીધું અને પોલીસ ફરિયાદો માટે સ્વતંત્ર ઓથોરિટી બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પોલીસ ફરિયાદ સંબંધિત પ્રક્રિયામાં આ દિશાનિર્દેશ પાયાના પત્થર છે. ભારતની સર્વોચ્ચ અદાલતે પોલીસ ફરિયાદોના નિકાલ માટેની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શિકા પ્રસ્તુત કરી દીધી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસના અયોગ્ય વર્તન સામે કેવી રીતે અને ક્યાં ફરિયાદ કરી શકાશે. સમયાંતરે પોલીસ પર ભ્રષ્ટાચાર, કસ્ટડીયલ ડેથ, ક્રૂરતા જેવા અનેક આરોપો લાગતાં હોય છે, પરંતુ તે સંબંધિત પ્રક્રિયા ક્યાંય જાેવા મળતી નથી. ભારતીય દંડ સંહિતામાં આપવામાં આવેલા અપરાધ પોલીસને ત્યાં સુધી સંરક્ષણ આપે છે, જ્યાં સુધી તે નિષ્ઠાપૂર્વક કોઇ કાર્ય કરતાં કોઇ એવું કામ કરી નાંખે જેને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો ગણવામાં આવ્યો છે, ત્યાં તેમને છૂટ હોય છે. જાે કે, દંડ સંહિતા ક્યાંય પણ કોઇ વ્યક્તિને ખાસ રીતે ગુનામાંથી છૂટ આપતી નથી. જાે કોઇ વ્યક્તિએ પોતાની ફરજની બહાર જઇને કોઇ કામ કર્યું છે તો તેને દંડિત કરવાની વ્યવસ્થા છે. પોલીસનું કામ ગુનાખોરી ડામવાનું છે. ગુના રોકવા માટે પોલીસ કોઇપણ એક્શન લઇ શકે છે, પંરતુ પોલીસનું વર્તન નિષ્પક્ષ હોવું જાેઇએ. પોલીસ પાસે તપાસ કરવાની સત્તા છે, તે તપાસ કરીને જાણી શકે છે કે કોઇ વ્યક્તિ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ? તપાસ દરમિયાન પોલીસને જે તે વ્યક્તિ નિર્દોષ માલુમ પડે છે તો તે તેને છોડી મૂકે છે. જાે પોલીસ કોઇ વ્યક્તિને જરૂર વગર હેરાન કરે, કોઇ વ્યક્તિની ફરિયાદ દાખલ ન કરે અથવા ભ્રષ્ટાચાર આચરે તો તેની ફરિયાદ કરી શકાય છે. આ તમામ પ્રકારની સમસ્યાના સમાધાન માટે ભારતની સર્વોચ્ચ અદાલતે વ્યવસ્થા કરી છે. પ્રકાશ સિંહ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે દરેક રાજ્ય માટે એક પોલીસ કન્પલેન્ટ ઓથોરિટીની રચનાના નિર્દેશ આપ્યા છે. આ ઓથોરિટી એક સ્વતંત્ર સંસ્થા હોય છે, આ ઓથોરિટી રાજ્ય સરકારના તાબા હેઠળ આવતી નથી અને પોલીસની તેમાં કોઇ દખલ હોતી નથી. આ ઓથોરિટીની અધ્યક્ષતા સેવાનિવૃત્ત જજ કરે છે. કોઇ પોલસી અધિકારી દ્વારા કોઇપણ વ્યક્તિને કારણ વગર હેરાન કરવામાં આવે, ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપવામાં આવે, ફરિયાદ દાખલ કરવામાં ન આવે, લાંચ માંગવામાં આવે, જેની સામે ફરિયાદ થઇ હોય તેની તપાસ કરવામાં આવતી ન હોય, કોઇ વ્યક્તિને કેસમાંથી હટાવી દેવામાં આવ્યો હોય, એવી ઘણી બધી વસ્તુઓ છે જેમાં પોલીસની ભૂમિકા નિષ્પક્ષ હોવી જાેઇએ. જાે કોઇ પોલીસ અધિકારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ન નિભાવે અને તેની વિરુદ્ધનું કોઇ કામ કરે તો તે પોલીસ ફરિયાદ ઓથોરિટીમાં તેની ફરિયાદ કરી શકાય છે. કોઇ પોલીસ અધિકારીના અધિકાર વિરુદ્ધના કૃત્યથી પીડિત વ્યક્તિ ઓથોરિટી સમક્ષ ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ લેખિત અરજી સ્વરૂપે કરવાની હોય છે. પીડિત વતી તેના પરિવારજનો પણ આવી ફરિયાદ કરી શકે છે. ઓથોરિટીને જણાવી શકે છે કે તેઓ કઇ અને કેવી રીતે પીડાઇ રહ્યા છે. પોલીસ ફરિયાદ ઓથોરિટી સમક્ષ કોઇપણ પોલીસ અધિકારીની ફરિયાદ કરવા માટે ફરિયાદી પાસે જરુરી પૂરતા પુરાવા હોવા જાેઇએ. જ્યારે આવી ફરિયાદ કરવામાં આવે અને પૂરાવા તે ફરિયાદની સાક્ષી પૂરે તો ફરિયાદીની વાત માની લેવામાં આવે છે. જાે કોઇ પુરાવા ન હોય તો તેની ફરિયાદ ફગાવી દેવામાં આવે છે. આવા પૂરાવામાં સાક્ષી અને દસ્વાતેજી પુરાવા બન્ને સામેલ હોય છે. સાક્ષીઓના માધ્યમથી જ સાબિત કરી શકાય કે કોઇ પોલીસ અધિકારીનું વર્તન અયોગ્ય છે. પોલીસ ફરિયાદ ઓથોરિટી સમક્ષ આવી કોઇ ફરિયાદ આવે છે, ત્યારે ઓથોરિટી તપાસ કરવાની સાથે જુએ છે કે કોઇ એવા પુરાવા છે જેનાથી સાબિત થાય કે જે તે પોલીસ અધિકારીનું વર્તન અયોગ્ય છે. તે બાદ ઓથોરિટી તે પોલીસ અધિકારી વિરુદ્ધ એક્શન લેતાં એફઆઇઆર દાખલ કરવા સુધીના આદેશ કરે છે. પોલીસ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવાની સાથે તેને સસ્પેન્ડ કરવાનું પણ આદેશ આપી શકે છે. જ્યાં પોલીસ અધિકારીએ અયોગ્ય વર્તનને લીધે પોતાના પદ પરથી રાજીનામું પણ આપવું પડે છે. ભારતની સર્વોચ્ચ અદાલતે વર્ષ ૨૦૦૬માં આદેશ આપ્યા હતા કે તમામ રાજ્ય પોલીસ કમ્પલેન્ટ ઓથોરિટીની રચના કરે અને તેને એક સ્વતંત્ર સંસ્થા બનાવે. જાેકે, અત્યાર સુધી ઘણા રાજ્યોએ ઓથરિટી બનાવી નથી. કારણ કે આ અંગે સરકાર પર ઘણું દબાણ છે. જાે પોલીસ પર અંકુશ લાદવાનો પ્રયાસ કરવામાં આવે તો રાજ્યની સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી થોડું મુશ્કેલ બની જશે. તેમ છતાં ભારતના ૧૧ રાજ્યોમાં પોલીસ કમ્પલેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. આ રાજ્યોમાં આસામ, ચંડીગઢ, દિલ્હી, હરિયાણા, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ તમિલનાડુ, પંજાબ, મહારાષ્ટ્ર અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં પોલીસ દ્વારા પીડિત વ્યક્તિ પોલીસ ફરિયાદ ઓથોરિટી સમક્ષ ફરિયાદ કરી શકે છે. આ ઓથોરિટીની હેડ ઓફિસ રાજ્યની રાજધાનીમાં આવેલી છે. જે રાજ્યોમાં પોલીસ ફરિયાદ ઓથોરિટી નથી ત્યાં કોઇપણ પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ તેનાથી ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ કરવામાં આવે છે. અહીં ખાસ ધ્યાન રાખવું જાેઇએ કે, કોઇપણ પોલીસ અધિકાર વિરુદ્ધ ફરિયાદ યોગ્ય પુરાવા સાથે કરવી જાેઇએ. જ્યાં સુધી કોઇપણ વર્તન, કાર્યવાહી કે પગલું કાયદાકીય રીતે અયોગ્ય ન હોય ત્યાં સુધી આરોપ લગાવવા જાેઇએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *