નવીદિલ્હી
ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે અને નિયમો તોડનાર ઘણા લોકોને દંડ ભરવો પડે છે. પણ ઘણી વખત નિયમોનું પાલન કરાવવામાં માનવતા ભુલાઈ જતી હોવાનું પણ સામે આવે છે. તાજેતરમાં જ કાનપુરમાં આવો કિસ્સો સામે આવ્યો છે. કાનપુર ટ્રાફિક પોલીસ દ્વારા તોતિંગ ચલણ આપવામાં આવતા ૩૨ વર્ષીય યુવાન રીક્ષા ચાલકને મોટો આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની વિગતો મુજબ કાનપુર જિલ્લાનો રહેવાસી યુવક સુનીલ ગુપ્તા ઓટો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેણે થોડા સમય પહેલા જ સેકન્ડ હેન્ડ ઓટો ખરીદી હતી. જાેકે, માત્ર અઢી મહિનામાં ટ્રાફિક પોલીસે રૂપિયા ૨૨,૫૦૦ના ઓનલાઈન ચલણો ફટકારી દીધા હતા, જે બાદ તેને એટલો ઊંડો આઘાત લાગ્યો હતો કે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના કાનપુરના નરવલ શહેરમાં બની હતી. સુનીલ શર્મા સેકન્ડ હેન્ડ ઓટો ચલાવીને માંડ માંડ પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો. પત્ની સંગીતાએ જણાવ્યું કે, થોડા સમય પહેલા આર્થિક સંકટને દૂર કરવા માટે તેણે સેકન્ડ હેન્ડ ઓટો ખરીદી હતી, તેનાથી માત્ર ઘરનું ગુજરાન ચાલતું. પરંતુ, આ દરમિયાન ૨૧ જુલાઇના રોજ ટ્રાફિક પોલીસે ૧૦ હજાર રૂપિયાનું ઇ-ચલણ મોકલ્યું હતું. મોબાઇલ પર મેસેજ જાેઇને સુનીલને ધ્રાસકો લાગ્યો હતો અને તે ચિંતામાં રહેવા લાગ્યો હતો. સંગીતાએ વધુમાં જણાવ્યું હતું કે તે ૧૦,૦૦૦ રૂપિયાનું ચલણ ચૂકવવા માટે ગોઠવણ કરી રહ્યો હતો, ત્યાં ૪ સપ્ટેમ્બરના રોજ ૧૨,૫૦૦ રૂપિયાનું બીજું ચલણ આપવામાં આવ્યું હતું. બીજા ચલણનો મેસેજ જાેઈને માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને આ આઘાતમાં પોતાનો જીવ આપી દીધો હતો. સુનીલના પરિવારમાં પત્ની સંગીતા અને ચાર વર્ષની દીકરી છે. સુનીલના માતા-પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સુનીલે શનિવારે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક પાડોશીએ ગમે તેમ સમજાવીને બચાવી લીધો હતો. આ અંગે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન પત્ની અને પુત્રી રાત્રે સૂઈ ગયા હતા ત્યારે સુનીલે ગળેફાંસો ખાઈ લીધો હતો.