નવીદિલ્હી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં દુમકા જેવી જ ઘટના બની છે. જેમાં એક વિદ્યાર્થિની સ્કૂલેથી પરત ફરતી હતી ત્યારે વિધર્મીએ તેને ગોળી મારી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે, એકતરફી પ્રેમમાં પાગલ વિધર્મી અને તેના સાથીઓએ ૧૬ વર્ષીય સગીરા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. ગોળી વાગતાં જ વિદ્યાર્થિની ઘાયલ થઈ ગઈ હતી અને તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે આરોપી અરમાન અલીની ધરપકડ કરી છે અને અન્ય બે સાથીઓને પોલીસે પહેલાં જ પકડી લીધા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણી દિલ્હીના ડીસીપી બેનિતા મેરી જેકરના જણાવ્યા અનુસાર, ૨૫ ઓગસ્ટે ૧૫.૪૭ વાગ્યે તિગડી પોલીસને સંગમ વિહાર વિસ્તારમાં ૧૬ વર્ષીય સગીરાને ગોળી મારવાની જાણકારી મળી હતી. પોલીસને ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન જાણકારી મળી હતી કે, વિદ્યાર્થિનીને પીઠમાં ગોળી વાગી હતી અને તેને બત્રા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે બત્રા હોસ્પિટલ પહોંચીને પીડિતાનું નિવેદન લીધું છે. સગીરાએ જણાવ્યું હતુ કે, દિલ્હીના દેવલી રોડ સ્થિત કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૧૧મા ધોરણમાં વિદ્યાર્થિની ભણે છે. જ્યારે તે સ્કૂલેથી પરત આવતી હતી ત્યારે ત્રણ શખસ બાઇક લઈને તેની પાછળ પાછળ આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થિની સંગમ વિહારના બી બ્લોકમાં પહોંચી હતી ત્યારે એક યુવકે તેને પાછળથી ગોળી મારી હતી અને ત્રણેય ફરાર થઈ ગયા હતા. તેણે આગળ જણાવ્યું હતું કે, અમાનત અલી નામના એક વ્યક્તિને જાણે છે. તે છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયામાં કનેક્ટ હતો. પરંતુ ૪-૫ મહિનાથી તે અમાનત સાથે વાત કરતી નહોતી, છતાંય અરમાન તેનો પીછો કરતો હતો. સગીરાના નિવેદન અનુસાર હત્યાનો પ્રયત્ન અને આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી બોબીને સંગમ વિહારના કે બ્લોક પાસેથી પકડી લેવામાં આવ્યો હતો. તો બોબીના કહ્યા અનુસાર અન્ય એક આરોપી પવન ઉર્ફે સુમિતને પણ ઝડપી લેવાયો છે. પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, પીડિતા છેલ્લા ૨ વર્ષથી આરોપી અરમાન અલીના સોશિયલ મીડિયા માધ્યમમાં સંપર્કમાં હતી અને તેણે ૫-૬ મહિનાથી અરમાન અલી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. સગીરાની આ હરકતથી અરમાન અલી નારાજ હતો. તેણે આરોપી બોબી અને પવનનો સંપર્ક કર્યો હતો અને તેમની મદદથી ઘટનાને અંજામ આપ્યો હતો.

