નવીદિલ્હી
ઓમિક્રોનના જાેખમને જાેતા કેન્દ્ર સરકારે રાજ્યોને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. વિવિધ રાજ્ય સરકારોએ કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે નાઈટ કર્ફ્યુ, વીકએન્ડ કર્ફ્યુ, ૫૦ ટકા ક્ષમતા સાથે ઓફિસો ચલાવવા અને શાળાઓ અને કોલેજાેને બંધ કરવા સહિતના કડક નિયંત્રણો લાગુ કર્યા છે. જ્યારે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે હાલ વધતા કોરોના સંક્રમણને પગલે સરકાર સતર્ક જાેવા મળી રહી છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪ નવા કેસ સામે આવતા ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા ૩,૦૭૧ પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧,૨૦૩ દર્દીઓ સાજા થયા છે. ઓમિક્રોનથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૧૯૯ પર પહોંચી હતી. ત્યારે હાલ ઓમિક્રોને દેશના ૨૭ રાજ્યોમાં પોતાનો પગપેસારો કર્યો છે. તમને જણાવી દઈએ કે ૯ રાજ્યોમાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે કોરોનાના નવા વેરિઅન્ટની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૮૭૬ કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં અત્યાર સુધીમાં ૫૧૩ દર્દીઓ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો આ વેરિઅન્ટથી ૩૮૧ દર્દીઓ સાજા થયા છે. તેમજ દિલ્હીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા ૫૭ પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૪૧,૯૮૬ નવા કેસ નોંધાયા છે અને ૨૮૫ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા આ કેસ ૨૨ હજારની આસપાસ હતા, જે હવે ૫ ગણાથી વધુ વધીને ૧ લાખને પાર પહોંચી ગયા છે. હાલ દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા ૪,૭૨,૧૬૯ થઈ છે. જ્યારે કુલ ૩,૪૪,૧૨,૭૪૦ લોકો કોરોનાથી રિકવર થયા છે.
