નવીદિલ્હી
પ્રાઈવેટ હોસ્પિટલોમાં ૧૮થી ૫૯ વર્ષના લોકો માટે ત્રીજા ડોઝનું રસીકરણ શરૂ થતા પહેલા રસી નિર્માતા કંપનીઓએ કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ પોતાની રસીના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે પ્રાઈવેટ હોસ્પિટલોને કોવિશીલ્ડ અને કોવેક્સીન બંને રસી ૨૨૫ રૂપિયા પ્રતિ ડોઝના ભાવે મળશે. કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ પ્રાઈવેટ હોસ્પિટલ રસીના એક ડોઝની કિંમત ઉપરાંત ૧૫૦ રૂપિયા સુધી જ સર્વિસ ચાર્જ લઈ શકશે. આથી રસીનો ત્રીજાે ડોઝ લગાવનારા ૧૮થી ૫૯ વર્ષના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલોમાં હવે ત્રીજા ડોઝ માટે વધુમાં વધુ ૩૭૫ રૂપિયા જ આપવા પડશે. અત્યાર સુધી પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિશીલ્ડના એક ડોઝ માટે લોકોએ ૭૦૦થી ૭૫૦ રૂપિયા અને કોવેક્સીનના એક ડોઝ માટે ૧૨૫૦ થી ૧૩૦૦ રૂપિયા સુધી ચૂકવવા પડતા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી રસીના ૧૮૫.૬૮ થી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ભારતમાં ૧૫ વર્ષથી ઉપરના ૯૬% લોકોને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે ૨.૫ કરોડ લોકો પ્રિકોશન ડોઝ પણ લગાવી ચૂક્યા છે. એ જ રીતે દેશમાં ૧૨ થી ૧૪ વર્ષના ૪૫ ટકા બાળકોને રસીનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. રસીના વધારાના ડોઝને જ પ્રિકોશન ડોઝ કે બૂસ્ટર ડોઝ કહે છે. આ ડોઝ લોકોને કોરોના વાયરસ વિરુદ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં કારગર સાબિત થાય છે. કોરોના વાયરસના અત્યાર સુધીમાં અનેક વેરિએન્ટ સામે આવી ચૂક્યા છે. હાલ ઠઈ વેરિએન્ટ ચર્ચામાં છે. આવામાં સરકાર તરફથી તમામ વયસ્કોને પ્રિકોશન ડોઝ લગાવવાની મંજૂરી મળી ચૂકી છે. કોરોના મહામારી હજુ સુધી પૂરેપૂરી રીતે ખતમ થઈ નથી. આ બધા વચ્ચે ૧૮ વર્ષથી ઉપરના લોકોને આજથી પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી મળી ગઈ છે. એટલે હવે તમામ વયસ્ક લોકો પ્રાઈવેટ સેન્ટરમાં જઈને બૂસ્ટર ડોઝ લગાવી શકે છે. પ્રિકોશન ડોઝ એ જ કંપનીનો લગાવવામાં આવશે જેની રસી અગાઉ પહેલા અને બીજા ડોઝમાં લીધી હશે. જે લોકોને રસીના બીજા ડોઝના ૯ મહિના થઈ ચૂક્યા હશે તેઓ જ આ ત્રીજા ડોઝ માટે લાયક ગણાશે. જાે કે સરકારી સેન્ટર્સ પર પહેલા અને બીજા ડોઝ ઉપરાંત હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે પ્રિકોશન ડોઝ પહેલાની જેમ અપાતા રહેશે.
