નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટ દ્વારા શનિવારના રોજ નોઈડા ઓથોરિટીને ૧૯૯૭માં નોઈડાના છલેરા બાંગર ગામમાં ૭૪૦૦ ચોરસ મીટરના બે પ્લોટ ખરીદનાર વ્યક્તિને ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અરજદારે જમીન ખરીદ્યા બાદ તેનો કબ્જાે મેળવ્યો ન હતો, એમ કહીને નોઈડા ઓથોરિટીએ તેમને કહ્યું હતું કે, જમીન તેમના કબ્જામાં છે. ટ્રાયલ કોર્ટ તરફથી જમીન પર સ્ટે હોવા છતાં, સત્તાધિકારીએ જમીન સંપાદિત કરી અને ૨૦૦૪ માં ટેન્ડર બહાર પાડ્યું, જમીનનો કબ્જાે મોટા બિલ્ડરને ટ્રાન્સફર કર્યો હતો. નીચલી કોર્ટમાં જે સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો હતો, તેને હાઈકોર્ટ અને પછી છેલ્લે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે જમીન માલિકની તરફેણમાં ચુકાદો આપતાં ૭૪૦૦ ચોરસ મીટર જમીનનું ૧.૧૦ લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે વળતર આપવાનો આદેશ આપ્યો હતો.