નવીદિલ્હી
છેલ્લા આઠ વર્ષમાં સૌપ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જનાર ન્યૂઝીલેન્ડની ટીમનું સુકાન કેન વિલિયમસન સંભાળશે. વિલિયમસન ટૂંકા બ્રેક બાદ ફરીથી તેની ફરજ પર હાજર થશે. સોમવારે કેરેબિયન દેશના પ્રવાસ માટે કિવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટોમ લાથમ, ડેવોન કોન્વે તેમજ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ તથા ટીમ સાઉધીની પણ ન્યૂઝીલેન્ડની ટીમમાં વાપસી થશે. તાજેતરમાં જ કિવી ટીમે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને નેધરલેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો.ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૧૦-૨૧ ઓગસ્ટ દરમ્યાન ત્રણ વન-ડે અને તેટલી જ ટી૨૦ મેચ રમાશે. પ્રથમ ટી૨૦ મેચ ૧૦ ઓગસ્ટથી કિંગસ્ટન જમૈકા ખાતે શરૂ થશે. ઉચ્ચ કાર્યબોજને પગલે ન્યૂઝીલેન્ડે અગાઉના પ્રવાસોમાં ખેલાડીઓની રોટેશન પદ્ધતિ અપનાવી હતી. જેને પગલે સાઉધી અને બોલ્ટ આયર્લેન્ડથી વહેલા વતન પરત ફર્યા હતા. ચાલુ વર્ષના અંતે ટી૨૦ વર્લ્ડ કપ યોજનાર હોય ન્યૂઝીલેન્ડ માટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ મહત્વનો રહેશે. આ સિરીઝમાં દેખાવને આધેર વન-ડે વિશ્વ કપના ક્વોલિફિકેશન પોઈન્ટ પણ નક્કી થશે. ન્યૂઝીલેન્ડે છેલ્લે ૨૦૧૪માં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખેડ્યો હતો. કિવી ટીમના કોચ ગેરી સ્ટેડે જણાવ્યું કે, ઘણા વર્ષો સુધી જે દેશ સામે રમ્યા ના હોવ તેની સામે રમવાનો ઉત્સાહ જરૂર હોય છે. વર્તમાન ન્યૂઝીલેન્ડ ટીમ વેસ્ટ ઈન્ડિઝની સામે તેમની જ ધરતી પર રમવા આતુર છે. ૨૦૨૨માં ટીમ દરેક પ્રકારની ફોરમેટ રમી રહી હોવાથી દરેક ખેલાડીના કાર્યબોજનું સંચાલન આવશ્યક છે. આ વાત કોચિંગ સ્ટાફ માટે પણ લાગુ પડે છે. ૧૫ સભ્યોની ન્યૂઝીલેન્ડ ટીમમાં માઈકલ બ્રેસવેલ અને ફિન એલનનો પણ સમાવેશ કરાયો છે. ન્યૂઝીલેન્ડ ટીમઃ વિલિયમસન (કેપ્ટન), એલન, બોલ્ટ, બ્રેસવેલ, કોન્વે, ફર્ગ્યુસન, ગુપ્ટિલ, હેનરી, લાથમ, મિચેલ, નીશામ, ફિલિપ્સ, સેન્ટનર, સોઢી, સાઉધી
