નવીદિલ્હી
પોરબંદર જિલ્લાના ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના અગ્રણી અલ્લારખ્કા ઈસ્માઈલભાઈ થીમ્મર દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સામૂહિક રીતે ૬૦૦ લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગવામાં આવી છે. ઈચ્છા મૃત્યુ માટે કારણ જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા ૧૦૦ વર્ષોથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જાેડાયેલા છે. માછીમારો માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણીજાેઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ નથી આપી રહી. પોરબંદર જિલ્લા કલેક્ટરે કર્લી જળાશય અને આસપાસમાં હોડી મારફતે ફિશિંગ નહિ કરવાના આદેશ આપ્યા છે. ૧૦૦ પરિવારોએ જિલ્લા કલેક્ટરને અરજી આપીને પોતાની આજીવિકા આપવાની માંગ પણ કરી છે અને જાે ૧૫ દિવસમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો ૧૦૦ પરિવારના ૬૦૦ લોકોને આપઘાત કરવાની સરકાર મંજૂરી આપે તેવો પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ફિશરીઝ વિભાગ દ્વરા લાયસન્સ રિન્યુ કરવાની પણ માંગ કરવામાં આવી છે.ગુજરાત હાઈકોર્ટમાં પોરબંદરના માછીમારોએ એકસાથે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા રજૂઆત કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા તેમના સમાજના ૬૦૦ વ્યક્તિઓને સરકાર તરફથી અન્યાય થતો હોવાથી સામૂહિક ઈચ્છામૃત્યુ માંગ્યુ છે. સરકાર હિંદુ અને મુસ્લિમ માછીમારો વચ્ચે ભેદભાવ રાખી રહી છે અને પૂરતી માત્રામાં સુવિધા આપતી ન હોવાની દલીલ હાઈકોર્ટની અરજીમાં કરવામાં આવી છે.