નવીદિલ્હી
ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતીને ભારત પરત ફરેલા હરિયાણાના વતની ભગવાની દેવી દિલ્હી એરપોર્ટ પર ડાન્સ કરતા જાેવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સીએ તેમનો કરેલો એક વીડિયો શેર જેમાં તે ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે અને ડાન્સ કરતા દેખાય છે. તેમણે કહ્યું કે ‘હું ખૂબ જ ખુશ છું કે બીજા દેશમાં મેડલ જીતીને મેં મારા દેશને ગૌરવ અપાવ્યું છે.’ ૯૪ વર્ષીય ભગવાની દેવી ડાગરે ફિનલેન્ડના ટેમ્પેયરમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેમની જીતની સાથે જ દેશભરના લોકો સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપી રહ્યા છે. લોકો તેમને એથ્લેટિક્સની રાણી કહી રહ્યા છે. રમતગમત મંત્રાલયે ભગવાની દેવીને તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય અનુરાગ ઠાકુર, હરદીપસિંહ પુરી અને પીયૂષ ગોયલ સહિત અન્ય ઘણા નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ભગવાની દેવીએ ૧૦૦ મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં માત્ર ૨૪.૭૪ સેકન્ડના સમયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તે ગોળાફેંક એટલે કે શોટ પુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ભગવાની દેવીએ આ પેહલીવાર મેડલ નથી જીત્યો. તેમણે ચેન્નાઈમાં યોજાયેલી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. એ પછી તેમણે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માટે ક્વોલિફાય કર્યું હતું.હરિયાણાની વતની ભગવાની દેવીએ ૯૪ વર્ષની ઉંમરે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ જીતીને દેશનું નામ રોશન કરી દીધું છે. ભગવાની દેવી મેડલ જીતીને ભારત પરત ફર્યા ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના ચાહકો પણ તેને જાેવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ભગવાની દેવીએ ડાન્સ કરીને પોતાની જીતની ઉજવણી કરી હતી. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ હાજર હતા.
