નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્મા પયગંબર મોહમ્મદ પર આપેલા નિવેદન બાદ વિવાદમાં છે. તેમની ટિપ્પણીથી ભારત પાકિસ્તાન અને તુર્કી સહિત અનેક મુસ્લિમ દેશોના નિશાન પર આવી ગયું. પણ ભારતનો એક પાડોશી મુસ્લિમ દેશ એવો પણ છે જેણે હવે આ મુદ્દે મોટી નિવેદન આપ્યું છે. આ દેશે સમગ્ર મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવી દીધો છે. બાંગ્લાદેશમાં પણ નુપુર શર્માના નિવેદનનો વિરોધ થયો હતો. અનેક રાજકીય પક્ષો અને ઈસ્લામિક આંદોલન બાંગ્લાદેશ (આઈએબી), જમીયત ઉલમા એ ઈસ્લામ બાંગ્લાદેશ અને ઈસ્લામી ઓઈક્યાજાેતેના ઈસ્લામવાદીઓએ ભાજપ નેતા દ્વારા પયંગબર મોહમ્મદ પર કરાયેલી ટિપ્પણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર વિવાદ પર હવે બાંગ્લાદેશનું અધિકૃત નિવેદન આવ્યું. બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રી હસન મહેમૂદે વિવાદને ભારતનો આંતરિક મામલો ગણાવી દીધો. હસન મહેમૂદે આ મુદ્દે કાયદાકીય કાર્યવાહી બદલ ભારત સરકારની પ્રશંસા કરી અને કહ્યું કે પયગંબર વિરુદ્ધ કોઈ પણ નિવેદનની ટીકા થવી જાેઈએ. બાંગ્લાદેશમાં ભારતીય પત્રકારોના એક સમૂહ સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ મુદ્દે ભારતમાં એક એફઆઈઆર નોંધાઈ છે અને આશા છે કે આગળ પણ કાર્યવાહી થશે. પ્રધાનમંત્રી શેખ હસીનાના નેતૃત્વવાળી સરકાર પર આ મુદ્દે સમાધાન કરવાનો આરોપ લગાવનારા કટ્ટરપંથીઓ વિશે એક સવાલ પર તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકાર પયગંબર વિરુદ્ધ ટિપ્પણી પર કોઈ સમાધાન કરી રહી નથી અને આવું તે કરશે પણ નહીં. મે પોતે તેની ટીકા કરી છે. મે એક જનસભામાં આ મુદ્દાની ટીકા કરી. બાંગ્લાદેશ સરકાર દ્વારા આ મુદ્દે અધિકૃત રીતે ટીકા ન કરવા સંદર્ભે મહેમૂદે તને પોતાના દેશ માટે એક બહારી મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે તે (બાંગ્લાદેશનો) આંતરિક મામલો નથી, પરંતુ બહારી મામલો છે. તે ભારતનો આંતરિક મામલો છે. જ્યારે પણ દુનિયામાં આવું કઈંક થાય છે ત્યારે કેટલીક ઈસ્લામિક પાર્ટીઓ અહીં પણ વિરોધ કરે છે અને સામાન્ય રીતે આવું થાય છે. બાંગ્લાદેશમાં આ કોઈ ધ્યાન ખેંચનારો મુદ્દો નથી, તે અરબ દેશો, પાકિસ્તાન અને મલેશિયા માટે છે. મંત્રીએ વધુમાં કહ્યું કે જાે ક્યાંય પણ પયગંબર વિરુદ્ધ કઈ કહેવામાં આવે તો તેની ટીકા થવી જાેઈએ. અમે પયગંબર પર ટિપ્પણી કરનારા લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા બદલ ભારત સરકારને અભિનંદન પાઠવીએ છીએ. ભાજપે પોતાના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા અને દિલ્હી મીડિયા પ્રમુખ નવીનકુમાર જિંદાલને પણ પયંગબર વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ સસ્પેન્ડ કર્યા.
