Delhi

બાળકોને મધ્યાહ્ન ભોજન બનાવી આપનાર મહિલાનો ગણિત શીખવતો વિડીયો વાયરલ

નવીદિલ્હી
પ્રાચીન કાળથી જ સ્ત્રીઓનો મલ્ટિટાસ્કિંગ સ્વભાવ હંમેશાં પ્રશંસાને પાત્ર માનવામાં આવે છે. તેમાંથી કેટલીક મહિલાઓ અન્ય લોકો માટે ઉદાહરણ બનીને ઉભરી આવે છે. બિશાખા પાલ પણ તેમાંથી બાકાત નથી. ફરક્કા નયનસુખ શ્રીમંત પાલ પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનના રસોઇયા બનવાથી માંડીને અન્યને ગણિત શીખવવા સુધી, તેમના નિશ્ચયથી નેટિઝન્સ ઘણા પ્રભાવિત થયા છે. દરરોજ લગભગ ૩૬૦ વિદ્યાર્થીઓ તેમની બિશાખા આન્ટીના હાથથી બનાવેલા ભોજનને લંચમાં ખાવાની રાહ જાેતા હોય છે. એક દિવસે જ્યારે વર્ગ શિક્ષક ચોથા ધોરણના વિદ્યાર્થીઓને ગણિત શીખવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને બિશાખા વિદ્યાર્થીઓને ગણિત શીખવવા આવ્યા હતા. સરળ શબ્દોમાં તેમણે વિદ્યાર્થીઓને વિભાજનના નિયમ અને યુક્તિઓ સમજાવી હતી. ફરક્કા નયનસુખ શ્રીમંત પાલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશ દાસે શ્રીમતી પાલની આ પ્રેરક પ્રવૃત્તિનો વિડીયો રેકોર્ડ કરીને પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. બિશાખાએ ગરીબી અને તેની આજીવિકાને કારણે દસમા ધોરણ પછી પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તે ઘણા વર્ષોથી રસોઈયા તરીકે આ શાળામાં કામ કરતી હતી. પણ મનમાં એનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ કદી ઓછો થયો નહીં. એટલે જ્યારે પણ એને તક મળે ત્યારે એ જુદા જુદા વર્ગોના ઉંબરે આવીને ઊભી રહીને શિક્ષકોનું શિક્ષણ સાંભળતી. તે શાળાના શિક્ષક પરેશ દાસે જણાવ્યું હતું કે, “ગુરુવારે જ્યારે હું ચોથા ધોરણનો ગણિતનો વર્ગ લઈ રહ્યો હતો, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ગણિતની અમુક સમસ્યાઓ સમજમાં આવી રહી નહોતી. અચાનક રસોઈયા બિશાખા દીદી વર્ગખંડમાં આવ્યા અને તેમને બાળકોનો ક્લાસ લેવાની તક આપવા વિનંતી કરી. હું તેને નિરાશ કરવા નહોતો માંગતો. મેં તેમને ચોક આપી દીધી અને હું જાેવા માંગતો હતો કે તેઓ કઇ રીતે ગણતરી કરે છે. પરંતુ તેમની કુશળતા જાેઇને હું પણ આશ્ચર્યમાં મુકાઇ ગયો. હું મારી જાતને આ વિડીયો લેતા રોકી શક્યો નહીં. “એણે કરેલા બધા જ દાખલાઓ તદ્દન સાચા હતા અને એની ભણાવવાની પદ્ધતિ પણ ખૂબ સરળ હતી. મેં કલ્પના પણ નહોતી કરી કે આ વિડીયો વાયરલ થશે.” બિશાખા પાલે કહ્યું, “હું મારું ગુજરાન ચલાવવા માટે રસોઈ બનાવું છું, પણ ભણવાની અદમ્ય ઇચ્છા આજે પણ મારા હૃદયમાં છે. જે નિયમો અને યુક્તિઓ મેં એકવાર શાળાના શિક્ષકો પાસેથી શીખ્યા હતા તે જ મેં શીખવ્યું છે. મેં જે કંઈ શીખવ્યું છે તેનાથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો લાભ મળે તો મને ગર્વ થશે.”

Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *