નવીદિલ્હી
રાહુલ ગાંધીની ઈડી દ્વારા થઈ રહેલી પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સૂરજેવાલા સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત કે સી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હૂડા, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી અને અન્ય નેતાઓને પણ કસ્ટડીમાં લેવાયા છે. તેમને તુગલક રોડ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. હાલ રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોંચી ગયા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે તેમના ઘરેથી પાર્ટી હેડક્વાર્ટર ગયા અને ત્યાંથી ઈડી ઓફિસ માટે રવાના થયા. ઈડી ઓફિસમાં આજે પણ તેમની પૂછપરછ થવાની છે. રાહુલ ગાંધી ઈડી સામે હાજર થાય તે પહેલા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં પાર્ટી હેડક્વાર્ટર પાસે પ્રદર્શન કર્યું. દિલ્હી પોલીસે અનેક લોકોની અટકાયત કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે અમે કાયદાના ખોટા ઉપયોગનો વિરોધ કરી રહ્યા છીએ. જાે ઈડી કાયદાનું પાલન કરે તો અમને કોઈ સમસ્યા નથી. પરંતુ ઈડી કાયદાનું પાલન કરતી નથી. અમે પૂછી રહ્યા છીએ કે નિર્ધારિત ગુનો શું છે? તેનો કોઈ જવાબ નથી. કઈ પોલીસ એજન્સીએ એફઆઈઆર નોંધી છે? કોઈ જવાબ નથી. એફઆઈઆરની કોપી નથી.નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. આજે રાહુલ ગાંધી ફરી ઈડીના સવાલોના જવાબ આપશે. રાહુલની આજે સતત બીજીવાર પેશી છે. આ અગાઉ સોમવારે ઈડી ઓફિસમાં તેમની લગભગ સાડા આઠ કલાક પૂછપરછ થઈ હતી.
