નવીદિલ્હી
બીસીસીઆઈ જુલાઈમાં ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ અને ટી૨૦ વર્લ્ડ કપની શરૂઆત પહેલા કેટલીક શ્રેણીનું શેડ્યૂલ તૈયાર કરી રહ્યું છે. આ સમયમાં ટીમ ઈન્ડિયા વધુ ત્રણ મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે જે હાલમાં તેના એફટીએફ નો ભાગ નથી. વર્લ્ડ કપ સુધી શ્રીલંકા સામેની હોમ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. બીસીસીઆઈના એક અધિકારીએ ટીઓઆઇ ને કહ્યું, ‘બાયો બબલ બ્રેક વિશે વાતચીત શરૂ થઈ ગઈ છે. આ અંગે તમામ ખેલાડીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યા છે. મુખ્ય ટીમ સિવાય અન્ય ટીમ પણ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. એશિયા કપ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે જ્યાં ટી૨૦ વર્લ્ડ કપ માટે મુખ્ય ખેલાડીઓ નક્કી કરવામાં આવશે. ભારત આ પ્રવાસો પર ટી૨૦ મેચ રમશે અને અહીં ખેલાડીઓને પોતાને સાબિત કરવાની તક મળશે. જાે કે, ટીમના કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે તેણે ટી૨૦ વર્લ્ડ કપ માટે મુખ્ય ખેલાડીઓની પસંદગી કરી છે અને તે તેમાં વધુ ખેલાડીઓને સામેલ કરવા નથી ઈચ્છતા. જાે કે, ટીમના વ્યસ્ત શેડ્યૂલને કારણે, આ પ્રવાસો માટે તેણે વધુને વધુ ખેલાડીઓને પૂલમાં સામેલ કરવા પડશે.ભારતીય ટીમ ગુરુવારથી શ્રીલંકા સામે ટી૨૦ શ્રેણીની શરૂઆત કરવા જઈ રહી છે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપના સંદર્ભમાં હાલમાં દરેક ટી૨૦ શ્રેણી ટીમ માટે ઘણું મહત્વ ધરાવે છે. બીસીસીઆઈ તૈયારીઓને લઈને કોઈ કસર છોડવા માંગતું નથી, તેથી જ ભારતીય ક્રિકેટ ટીમના પહેલાથી જ ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં, બીસીસીઆઈ તેમની મદદ માટે કેટલીક વધુ મર્યાદિત ઓવરોની શ્રેણી ઉમેરી રહ્યું છે.
