નવીદિલ્હી
સરકારની આ નીતિ લાગુ થયા બાદ લોકોમાં ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટેનો ખચકાટ દૂર થઇ જશે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં ચાર્જિગ સ્ટેશનો સ્થાપિત કરવા માટે જગાની અછતને ધ્યાનમાં રાખીને આ નવી નીતિ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સરકાર ઇન્ટરઓપરેબિલિટીના માપદંડ તૈયાર કરશે. આ ઉપરાંત ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો આવવાના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ગ્રીન ટેકનોલોજીને વેગ મળશે. બેટરી સ્વેપિંગ પોલિસી આવવાથી સરકાર બેટરી બનાવવા માટે પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપશે. પોતાના ભાષણમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર ઈ-વ્હિકલ્સના વિકાસ માટે સ્પેશિયલ મોબિલિટી ઝોન બનાવશે. ભારતે ૨૦૩૦ સુધીમાં ખાનગી કાર્સ માટે ૩૦ ટકા ઇવી કાર્સનું વેચાણ, કોમર્શિયલ વાહનો માટે ૭૦ ટકા, બસો માટે ૪૦ ટકા અને દ્વિ-ચક્રિય વાહનો માટે ૮૦ ટકા વાહનો ઇવી વાહનો હોય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં હાલમાં કુલ ૯,૭૪,૩૧૩ રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનો છે. જાે કે બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અનુસાર ઈવી વાહનોની સંખ્યાની તુલનાએ સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ફક્ત ૧૦૨૮ જાહેર ચાર્જિગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ધીમા વેચાણ પાછળનું એક મુખ્ય કારણ ઇલેક્ટ્રિક વાહનો ઘણા મોંઘા હોવા ઉપરાંત દેશમાં ચાર્જિગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તીવ્ર અછત છે.
