નવીદિલ્હી
જમ્મુ-કાશ્મીરને લઈને રચાયેલા ડિલિમિટેડશન પંચે પોતાનો ફાઇનલ રિપોર્ટ સોંપી દીધો છે. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થઈ ગયો છે. ચૂંટણી પંચ પ્રમાણે હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ૯૦ સીટો હશે. તો ૧૮ વિધાનસભા સીટો ભેગી કરી એક લોકસભા સીટ હશે. એટલે કે કુલ ૫ લોકસભા સીટ હશે. જમ્મુ-કાશ્મીરમાં ડિલિમિટેશનને લઈને ઇસ્લામિક સહયોગ સંગઠને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઓઆઈસી તરફથી પરિસીમનને લઈને ઘણા ટ્વીટ કર્યા. આઈઓસીના મહાસચિવે તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવી દીધુ હતું. ત્યારબાદ ભારતે ઇસ્લામિક દેશોના સંગઠનને ફટકાર લગાવતા કહ્યુ કે, આઈઓસીએ કોઈ એક દેશની શંકા પર સાંપ્રદાયિક એજન્ડા ન ચલાવવો જાેઈએ. ભારતનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. આ વિષય પર પૂછાયેલા સવાલો પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ- અમને આશ્ચર્ય છે કે ઓઆઈસીએ એકવાર ફરી ભારતના આંતરિક મામલાને લઈને બિનજરૂરી ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે પહેલા પણ ભારત સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને લઈને ઓઆઈસીના નિવેદનોને નકારી ચુક્યુ છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. ઓઆઈસીના મહાસચિવ હિસેન બ્રાહિમ તાહાએ કહ્યુ હતુ કે તેમને જમ્મુ-કાશ્મીરની ડેમોગ્રાફી બદલવાને લઈને ચિંતા છે. આ જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો સાથે છેડછાડ છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવો હેઠળ ત્યાંના લોકોને ર્નિણય લેવાનો અધિકાર છે.
