નવીદિલ્હી
દિલ્હીના રહીશ રામગોપાલ તિવારી છેલ્લા કેટલાય સમયથી મથુરામાં વસેલા છે. તેઓ ભગવાન કૃષ્ણની ભક્તિમાં એટલા ડૂબાડૂબ છે કે તેમના માટે ભગવાન શ્રીકૃષ્ણ જ સર્વેસર્વા છે. એટલે સુધી કે તેઓ તેમને તેમના બાળક જેવા પણ ગણતા હશે કદાચ એટલે જ તેમણે ભગવાન શ્રીકૃષ્ણને શાળાએ મોકલવાનો પણ ર્નિણય કરી લીધો. લડ્ડુ ગોપાલ અન્ય બાળકોની જેમ જ દરરોજ મથુરાના બુર્જા માર્ગ પર આવેલા સાંદીપનિ મુનિ શાળાએ એકદમ ટકાટક થઈને સમયસર પહોંચી જાય છે. રામગોપાલ તિવારી પણ તેમનું અન્ય બાળકનું જેમ ધ્યાન રાખીએ બરાબર એ જ રીતે ધ્યાન રાખે છે. પાણીની બોટલ, લંચ બોક્સ બધુ તેમની પાસે રાખવામાં આવે છે. આ શાળામાં જેમ અન્ય બાળકો તૈયાર થઈને આવે અને ક્લાસમાં બેસીને શિક્ષણ લે છે બરાબર એ જ રીતે લડ્ડુ ગોપાલને પણ ત્યાં બાળકોની સાથે જ બેસાડવામાં આવે છે અને તેઓને શિક્ષણ અપાય છે. તિવારી ભગવાનને રોજ પોતાની રિક્ષામાં ત્યાં મૂકી જાય છે. હાલ લડ્ડુ ગોપાલ ત્રીજા ધોરણમાં ભણે છે. જાેઈને તમે એટલા આશ્ચર્યચકિત થશો કારણ કે લડ્ડુ ગોપાલ અન્ય બાળકોની જેમ જ ક્લાસમાં બેસે છે અને તેમના બાળમિત્રો પણ છે. રામગોપાલ તિવારી માટે લડ્ડુ ગોપાલ તેમના બાળકથી જરાય કમ નથી. હવે તમને પણ કદાચ એમ થાય કે ભગવાનને વળી શાળામાં શિક્ષણ? તેમનો પ્રવેશ કેવી રીતે શક્ય બની શકે? તો આ સમગ્ર કિસ્સો તમારે ખાસ સમજવા જેવો છે. રામગોપાલ તિવારી ખુબ જ ધાર્મિક પ્રકૃતિના છે. તેમની પળેપળ લાડકા એવા લડ્ડુ ગોપાલની સેવા અને પૂજામાં વીતે છે. એક દિવસ તેમના મનમાં વિચાર આવ્યો કે અન્ય બાળકોની જેમ તેમના લડ્ડુ ગોપાલ શાળાએ કેમ ન જઈ શકે. ત્યારબાદ તેમણે સાંદિપની મુનિ શાળામાં અરજી આપી. પ્રિન્સિપાલે પહેલા તો ના પાડી દીધી. ત્યારબાદ તેમની સતત જીદ જાેઈને ઠંડા પડ્યા અને બાળ ગોપાલનું આધારકાર્ડ અને બર્થ સર્ટિફિકેટ માંગ્યું. છતાં રામગોપાલ તો જીદ્દે ચડ્યા કે તેમને કોઈ પણ ભોગે પ્રવેશ અપાવો જ છે. થાકીને ઈસ્કોન ભક્ત શાળાના સંચાલક રૂપા રઘુનાથ દાસે એડમિશન વગર જ શાળા આવવાની મંજૂરી આપી દીધી. આખી દુનિયાને જેણે ભવ તારી નાખે તેવો ગીતા ઉપદેશ આપ્યો તે ભગવાન કૃષ્ણએ પણ જાે શાળાએ જઈને ક, ખ, ગ, ઘ, કે એબીસીડીનું જ્ઞાન લેવાનો વારો આવ્યો છે એવું કહીએ તો તમે સાચું માનશો ખરા? પરંતુ આ વાત એકદમ સાચી છે. જે લોકો પોતાનો નાતો દુનિયા સાથે છોડી ભગવાન સાથે જાેડી લે છે તેમના માટે ભગવાન જ બધુ બની ગયા છે. આવું જ કઈક રામગોપાલ તિવારીનું છે.
