નવીદિલ્હી
મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ૩૦મેના ધરપકડ કરાઈ હતી. ત્યારથી તેઓ ઈડીની કસ્ટડીમાં છે. ગુરુવારે કસ્ટડી સમાપ્ત થતા પૂર્વ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં જૈનને રજૂ કરવામાં આવ્યા હતા. વિશેષ જજ ગીતાંજલી ગોયલે ઈડીની અરજીને ધ્યાનમાં લેતા જૈનની કસ્ટડી ૧૩ જૂન સુધી લંબાવવા આદેશ કર્યો હતો. ઈડીએ અરજીમાં પાંચ દિવસ કસ્ટડી માંગી હતી જાે કે કોર્ટે ચાર દિવસ મંજૂર કર્યા હતા. ઈડી વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજૂએ કોર્ટને જણાવ્યું કે અગાઉ પૂછપરછમાં ઈડીએ વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા અને મહત્વના પુરાવા રૂપે કેટલાક દસ્તાવેજાે તેમજ રોકડ રકમ જપ્ત કરી હતી. આ મામલે ઈડીને વધુ પૂછપરછ કરવાની જરૂર છે તેમ તેમણે કોર્ટને જણાવ્યું હતું. જૈન વતી હાજર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઈડીની અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપી પહેલેથી જ ઈડની કસ્ટડીમાં છે અને ગાળો વધુ લંબાવવવાનું કોઈ કારણ નથી.દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ગુરુવારે વધુ એક ઝટકો લાગ્યો હતો. કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પાસે કસ્ટડીને વધુ ચાર દિવસ લંબાવી છે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કોર્ટમાંથી બહાર નિકળતા જ જૈનની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.