નવીદિલ્હી
આવકથી વધુ સંપત્તિના મામલામાં પણ સત્યેન્દ્ર જૈનનું નામ સામે આવી ચુક્યુ છે. આરોપ છે કે તેમણે કોલકત્તાની એક કંપની દ્વારા બેનામી સંપત્તિ ભેગી કરી હતી. જૈનની ધરપકડ બાદ દિલ્હીની આપ સરકાર સવાલોના ઘેરામાં છે. આ પહેલા પણ દિલ્હીના કેટલાક મંત્રી પોલીસની રડારમાં આવી ચુક્યા છે. જૈન પર આરોપ છે કે તેણમે શૈલ કંપનીની મદદથી પોતાની ગેરકાયદેસર સંપત્તિને વ્હાઇટ મનીમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, ભાજપ હિમાચલમાં હારી રહી છે, તે કારણે કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સિસોદિયાએ આરોપ લગાવ્યો કે જૈન વિરુદ્ધ છેલ્લા આઠ વર્ષથી ખોટો કેસ ચાલી રહ્યો છે, તેની અનેક વાર પૂછપરછ કરવામાં આવી અને હવે તો બોલાવવાનું બંધ કરી દીધુ હતું કારણ કે કંઈ મળ્યું નહીં. સત્યેન્દ્ર જૈનની ધરપકડની સાથે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યુ કે, જે ખોટુ કરશે તેના સામે પગલા ભરાવાના નક્કી છે. તો કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે, કેન્દ્રીય એજન્સીઓ પર વિશ્વાસ ન કરી શકાય કારણ કે તે ભાજપના ઈશારા પર કામ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મની લોન્ડ્રિંગ સાથે જાેડાયેલા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા મની લોન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જાેડાયેલી ૪.૮૧ લાખની સંપત્તિને અટેચ કરી લીધી હતી. જૈનની નજીકના લોકોના કેટલીક એવી કંપનીઓ સાથે સંબંધ હતો, જેની પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ તપાસ ચાલી રહી છે.
